
જાપાનની 22 વર્ષીય નાઓમી ઓસાકાએ બીજી વખત યૂએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. નાઓમીએ ફાઈનલમાં બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાને હરાવી હતી. પહેલા સેટ પર હાર્યા બાદ ઓસાકાએ જબરજસ્ત વાપસી કરતા સતત બે સેટ જીતીને મેચ જીતી લીધી હતી. તેમણે અઝારેન્કાને 1-6, 6-3, 6-3 થી માત આપી હતી.
22 વર્ષીય ઓસાકાનો આ ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ પહેલા તેણે વર્ષ 2018 માં અમેરિકી ઓપન અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.
વિક્ટોરિયા અઝારેન્કાને ત્રીજી વખત અમેરિકી ઓપનની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે વર્ષ 2012 અને 2013માં પણ અમેરિકી ઓપનની ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં તેને બન્ને વખત દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે હરાવી હતી. 1994 બાદ પહેલીવાર એવું બન્યુ છે કે, કોઈ મહિલા ખેલાડીએ પ્રથમ સેટથી જ હાર્યા બાદ અમેરિકી ઓપનનો ખિતાબ પાતાના નામે કર્યો. આ પહેલા સેમિફાઈનલમાં જાપાની ખેલાડી નાઓમી ઓસાકાએ અમેરિકાની જેનિફર બ્રેડીને માત આપી અને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.