
જૂની સંસદ પર આતંકી હુમલાની વરસીના દિવસે જ નવી સંસદની સુરક્ષામાં ચૂક, દર્શક દીર્ઘામાંથી કૂદી પડ્યા બે શખ્સ, સ્મોક કેન્ડલ સળગાવી.સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભાની સુરક્ષામાં ચૂક. ઓડિયન્સ ગેલેરીમાંથી એક શખ્સ છલાંગ લગાવીને સાંસદોની વચ્ચે આવી ગયો અને સ્મોક કેન્ડ સળગાવી. લોકસભાની સુરક્ષાના ધજાગરા ઉડાવતા આ શખ્સોનો વીડિયો પણ સામે આવ્યો છે.
જ્યારે સાંસદો આ શખ્સને પકડવા ગયા ત્યારે તેણે સ્મોક કેન્ડલ સળગાવી હતી જે બાદ સમગ્ર સદનમાં ધુમાડો ધુમાડો થઈ ગયો. બાદમાં બને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસે પૂછપરછ શરૂ કરી
બંને આરોપીઓમાંથી એકનું નામ સાગર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્મોક કેન્ડલ જૂતાંની અંદર છુપાવીને લઈને આવ્યા હતા. બંને વિઝિટર બનીને સંસદમાં આવ્યા હતા અને તેમની પાસે મૈસૂરના સાંસદના નામે રેફરી પાસ હતો. દિલ્હી પોલીસની એન્ટિ ટેરર યુનિટ સ્પેશ્યલ સેલ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
જુઓ શું કહ્યું MPએ
નોંધનીય છે કે સૌથી પહેલા સાંસદ મલૂક નાગર અને મનોજ કોટકે બંનેને ઝડપી પાડયા હતા. બાદમાં સુરક્ષાકર્મીઓએ બંને ઝડપ્યા. મલુક નાગરે સમગ્ર ઘટના મામલે કહ્યું કે શૂન્ય કાળ સમાપ્ત થવાનો હતો ત્યારે ધડામ અવાજ આવ્યો, મને લાગ્યું કે કોઈનો પગ ગયો પડ્યો, મેં ઉપર જોયું તો બીજી તરફ વધુ એક યુવક કૂદી પડ્યો. બાદમાં સમજમાં આવ્યું કે આ બંને કોઈ ઈરાદાથી અંદર આવ્યા છે.

બહાર પણ બે લોકોએ સ્મોક કેન્ડલ સળગાવી
નોંધનીય છે કે સંસદ ભવનની અંદર જ નહીં બહાર પણ આવી જ ઘટના સામે આવી છે. જેમાં ટ્રાન્સપોર્ટ ભવનની પાસે એક 42 વર્ષની મહિલા નીલમ તથા 25 વર્ષના અમોલ શિંદેની ધરપકડ કરવામાં આવી છે. આ બંને સંસદ ભવનની બહાર સ્મોક કેન્ડલ સળગાવીને નારા લગાવી રહ્યા હતા.