રાજકોટ,
ગુજરાતમાં રેકોર્ડ બ્રેક બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત થઈ છે. ૧૮૨ બેઠકમાંથી ૧૫૬ સીટ પર ભાજપની ભવ્ય જીત થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકમાં જ સમેટાઈ ગઈ છે. તો આમ આદમી પાર્ટીએ ૫ બેઠક સાથે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. ૧૮૨માંથી ૩ બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત નોંધાઈ છે. ત્યારે ગુજરાત હવે ધીરે ધીરે કોંગ્રેસ મુક્ત બની રહ્યુ છે તેવુ લાગે છે. રાજ્યના ૩૩ જિલ્લામાંથી ૨૨ જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ કૉંગ્રેસના ૪૪ અને આમ આદમી પાર્ટીના ૧૨૮ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. રાજ્યના ૧૩ જિલ્લાઓમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યના ૧૩ જિલ્લાઓમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે કોંગ્રેસની દશા જોતા વજુભાઈ વાળાએ કહ્યું કે, ગાંધીજીની કોંગ્રેસને હવે વીંખી નાંખવી જોઈએ. હવે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. ૬૦થી વધુ બેઠકોનાં નુક્સાન સાથે કોંગ્રેસના કદાવર નેતાઓ પોતાની બેઠક પણ નથી બચાવી શક્યા. એક રીતે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. કોંગ્રેસમાંથી ૩૪ ઉમેદવાર ડિપોઝીટ બચાવવામાં અસમર્થ રહ્યાં છે.
ભાજપની ભવ્ય જીત પર વજુભાઈ વાળાએ ખુશી વ્યક્ત કરી છે. ત્યારે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીની કોંગ્રેસ હવે એ કોંગ્રેસ રહી નથી. ગાંધીજીની કોંગ્રેસને હવે વીંખી નાંખવી જોઈએ. હવે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. તો સાથે જ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સીઆર પાટીલના ભરપેટ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, પાટીલનું પેજ કમિટી અને પ્રમુખોનું માળખું સફળ રહ્યું. સીઆર પાટીલ ફોલોઅપ લેતા રહ્યા તેને કારણે સફળતા મળી. પાટીલના સતત પ્રયાસોને કારણે ઐતિહાસિક જીત મળી છે. હું શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહીશ.