પટણા,
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. બિહારના સીએમ નીતિશ કુમારે જાહેરાત કરતા કહ્યું છે કે, વર્ષ ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી તેજસ્વી યાદવના નેતૃત્વમાં લડવામાં આવશે.
આ સાથે મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ સ્પષ્ટ કર્યું કે, તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. અમે બધા માત્ર ભાજપને હટાવવા માંગીએ છીએ. આ સાથે સીએમ નીતીશે સભામાં નશાબંધીને લઈને થઈ રહેલી બયાનબાજી પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વિધાયક દળના નેતા અજીત શર્મા અને અન્ય ધારાસભ્યોને પણ સલાહ આપી હતી.
સીએમ નીતીશે કહ્યું, ‘જે લોકો નશાબંધી પર વાહિયાત વાતો કરી રહ્યા છે, શું તેઓ નથી જાણતા કે તમામની સહમતિ પછી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. નિષેધ પર વાહિયાત વાતો કરતાં તેને અસરકારક કેવી રીતે બનાવી શકાય તેના પર કામ કરવું વધુ સારું છે.
મહાગઠબંધન ધારાસભ્ય દળની બેઠક પૂરી થયા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ચોંકાવનારું અને મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતિશે અચાનક એનડીએ છોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવવાની જાહેરાત કરી હતી. જેના કારણે બિહારના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર આવી વાત કહી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી શકે છે.