પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૨૦૨૫માં યોજાનાર મહાકુંભ માટે સત્તાવાર રીતે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રયાગરાજમાં, હોટેલ રાહી ઇલાવાર્ટ સંકુલની નજીક રાજ્યના પ્રવાસન વિભાગની ઓફિસની બહાર એક હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે, જેના પર મુખ્ય સ્નાન ઉત્સવોની તારીખો વિશે માહિતી આપવામાં આવી છે. રાજ્યના પર્યટન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિશ્ર્વનો આ સૌથી મોટો ધાર્મિક મેળો ૪૫ દિવસ ચાલશે અને પ્રથમ ૨૧ દિવસમાં ૩ ’શાહી સ્નાન’નું આયોજન કરવામાં આવશે.
ડીપી હોટેલ ઇલાવર્ટ રાહીના સિનિયર મેનેજર સિંઘે જણાવ્યું હતું કે, “હોટલ પ્રશાસને આ હોર્ડિંગ લગાવ્યું છે. તેનો ઉદ્દેશ્ય મહાકુંભ ૨૦૨૫ને વધુમાં વધુ પ્રસિદ્ધિ આપવાનો છે, જેથી વિશ્ર્વભરના લોકો તેનો ભાગ બને. આ એક અનોખો કાર્યક્રમ છે. સ્નાન ઉત્સવોની તારીખો યાત્રાળુઓ અને પ્રવાસીઓને તેમની યાત્રાઓનું વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરશે.’ મહાકુંભ ૨૦૨૫ હોર્ડિંગની ટોચ પર બોલ્ડ અક્ષરોમાં લખાયેલું છે. આ પછી ’વિશ્ર્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા’નું વર્ણન છે. હોર્ડિંગમાં મહાકુંભ ૨૦૨૫ ના સ્નાનની તારીખોનો ઉલ્લેખ છે. અધિકારીઓએ કહ્યું કે ટૂંક સમયમાં આવા હોર્ડિંગ્સ દેશના ખૂણે ખૂણે લગાવવામાં આવશે.
પ્રયાગરાજ મહાકુંભ મેળો ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ પોષ પૂર્ણિમાના સ્નાન ઉત્સવ સાથે શરૂ થશે. આ પછી ૧૪ જાન્યુઆરીએ ’મકરસંક્રાંતિ’ શાહી સ્નાન અને ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યા સ્નાન ઉત્સવ થશે. આ મેળાનું ત્રીજું અને છેલ્લું શાહી સ્નાન ૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ’બસંત પંચમી’ સ્નાન ઉત્સવ હશે. હોર્ડિંગમાં એવું પણ લખવામાં આવ્યું છે કે અચલા સપ્તમીનું સ્નાન ૪ ફેબ્રુઆરીએ થશે અને માઘી પૂર્ણિમાના નું સ્નાન ૧૨ ફેબ્રુઆરીએ થશે. મહાશિવરાત્રીનો છેલ્લો સત્તાવાર સ્નાન ઉત્સવ ૨૬ ફેબ્રુઆરીએ થશે. પ્રવાસન વિભાગના અધિકારીઓએ સ્વીકાર્યું કે આ પહેલીવાર છે જ્યારે ધાર્મિક મેળાના પ્રચારની શરૂઆત કેટલાક મહિનાઓ પહેલા હોર્ડિંગ્સ દ્વારા કરવામાં આવી છે.