૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા ભાજપે ચાર રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ બદલ્યા

નવીદિલ્હી,ભાજપે આજે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેતા બિહાર, દિલ્હી, રાજસ્થાન અને ઓરિસ્સામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષો બદલ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સમ્રાટ ચૌધરીને બિહાર ભાજપના અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે રાજસ્થાન માટે સીપી જોશીને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે, મનમોહન સામલને ઓડિશા માટે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને વીરેન્દ્ર સચદેવાને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે.

બિહાર ભાજપના નવા બોસ હવે સમ્રાટ ચૌધરી છે. હાઈકમાને તેમને બિહાર ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. સમ્રાટ ચૌધરી હાલમાં વિધાન પરિષદમાં વિપક્ષના નેતાની ભૂમિકામાં છે. બિહારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસ્વાલ બાદ હવે પાર્ટીની કમાન સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવી છે. બિહારમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ભાજપ હવે રાજ્યમાં વિપક્ષમાં બેઠું છે. બીજી તરફ, જેડીયુ જે ગઈકાલ સુધી સાથે હતી તે હવે આરજેડી સાથે છે અને ભાજપ અને મહાગઠબંધન વચ્ચે સીધી લડાઈ છે. સમ્રાટ ચૌધરીની પસંદગી આગામી ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સમ્રાટ ચૌધરી કુશવાહા સમુદાયના છે અને દિગ્ગજ નેતા શકુની ચૌધરીના પુત્ર છે. તેઓ પાર્ટીમાં ઉપાધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. લગભગ ત્રણ દાયકાના રાજકીય અનુભવ સાથે, સમ્રાટ ચૌધરીએ આરજેડીમાંથી રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેઓ ઘણા મોટા વિભાગોમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે આગામી લોક્સભા ચૂંટણીમાં બિહારમાં ભાજપ ૪૦માંથી ૪૦ બેઠકો જીતશે અને ૨૦૨૫માં બિહારમાં પહેલીવાર ભાજપની સરકાર બનશે.