
- કોઈપણ પક્ષ જેની વિચારધારા ભાજપ સાથે મેળ ખાતી હોય તે અમારી સાથે જોડાઈ શકે છે – ભૂપેન્દ્ર સિંહ.
લખનૌ,
યુપીમાં ભાજપે લોક્સભા ચૂંટણીમાં ૮૦માંથી તમામ ૮૦ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ તાજેતરમાં યોજાયેલી એમએલસી ચૂંટણીમાં જીત બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો ભાજપના યુપી પ્રદેશ અધ્યક્ષ ચૌધરી ભૂપેન્દ્ર સિંહનું માનીએ તો, ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પાર્ટી ટૂંક સમયમાં સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આંશિક સંગઠનાત્મક પુનર્ગઠનમાંથી પસાર થશે.
યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ કહ્યું કે પાર્ટી પૂર્વ સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી તેમજ અન્ય કોઈપણ પાર્ટી સાથે હાથ મિલાવી શકે છે જેની વિચારધારા ભાજપ જેવી હોય. તેમણે કહ્યું કે ઓમપ્રકાશ રાજભર પૂર્વી ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં પ્રભાવ ધરાવતા મજબૂત પછાત નેતા છે. સુભાસ્પાએ ભાજપ સાથે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ બાદમાં તેઓ સમાજવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં જોડાયા હતા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી સમાજવાદી પાર્ટી સાથે લડવામાં આવી હતી અને છ બેઠકો જીતી હતી, પરંતુ બાદમાં સુભાસ્પા સપાથી પણ અલગ થઈ ગયા હતા.
ભૂપેન્દ્ર સિંહે કહ્યું, ’મારી પાર્ટીએ તાજેતરમાં મને પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપવાની તક આપી. સંગઠનના કેટલાક સભ્યો સરકારમાં મંત્રી બન્યા છે, તેથી મેં નેતૃત્વને આંશિક પુનર્ગઠન માટે વિનંતી કરી છે. મને પરવાનગી મળી ગઈ છે. ચૌધરી, જે જાટ સમુદાયના છે અને ગયા વર્ષે ઓગસ્ટમાં રાજ્ય એકમના વડા બનાવવામાં આવ્યા હતા, તેમણે કહ્યું કે સંગઠનમાં કોઈ મોટા ફેરફારો થશે નહીં, માત્ર આંશિક સંગઠનાત્મક પુનર્ગઠન થશે. તેમણે કહ્યું કે રાજ્યના કેટલાક પ્રધાનો – શહેરી વિકાસ પ્રધાન અરવિંદ કુમાર શર્મા, પરિવહન પ્રધાન (સ્વતંત્ર હવાલો) દયાશંકર સિંહ અને સહકારી ધિરાણ પ્રધાન (સ્વતંત્ર હવાલો) જેપી રાઠોડ પણ હાલમાં પક્ષના હોદ્દા ધરાવે છે. મંત્રી બાબીરાની મૌર્ય ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના પદાધિકારી છે.
પ્રદેશ અધ્યક્ષ કહ્યું કે ગયા મહિને ભાજપની રાજ્ય કારોબારી સમિતિની બેઠકમાં ભાજપે ઉત્તર પ્રદેશની તમામ ૮૦ લોક્સભા બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. સુભાસ્પા સાથે બીજેપીએ ફરી હાથ મિલાવ્યા પર ભૂપેન્દ્ર સિંહે કહ્યું, અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે, અમે દરેકનું સ્વાગત કરીએ છીએ. જે અમારી વિચારધારા સાથે સહમત છે અને અમારી સાથે કામ કરવા માંગે છે, અમે તેને સાથે લઈ જઈશું. તેમણે કહ્યું કે રાજભરજી અમારી સાથે છે અને જો તેઓ અમારી વિચારધારા સાથે સહમત છે તો પાર્ટી તેમને ચોક્કસપણે અમારી સાથે કામ કરવાની તક આપશે.