૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં મોદીને રોકવું લગભગ અશક્ય’, બ્રિટિશ અખબારના લેખમાં દાવો

  • પીએમ મોદીની લોકપ્રિયતા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના કારણે ભાજપનું સતત ત્રીજી વખત સત્તામાં આવવું નિશ્ચિત છે

નવીદિલ્હી, લોક્સભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે અને તમામ રાજકીય પક્ષો સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન, બ્રિટનના અગ્રણી અખબાર ધ ગાર્ડિયનમાં એક લેખ લખવામાં આવ્યો છે, જે વિરોધ પક્ષોને નિરાશ કરી શકે છે. વાસ્તવમાં, લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ’તે નિશ્ચિત છે કે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવશે અને તેને કોઈ રોકી શકશે નહીં.’

આ લેખ હેન્ના એલિસ પીટરસન દ્વારા લખવામાં આવ્યો હતો. પીટરસન લખે છે કે ’ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલા આત્મ વિશ્વાસ, પીએમ મોદીની લોકપ્રિયતા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને કારણે એ નિશ્ચિત છે કે ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવશે અને તે તેને રોકવું લગભગ અશક્ય છે. ત્રણ રાજ્યોમાં જીત બાદ ખુદ પીએમ મોદી પણ ૨૦૨૪માં જીતની આગાહી કરતા પોતાને રોકી શક્યા નથી. લેખ મુજબ, ભારતના વર્તમાન રાજકીય પરિદ્રશ્ય અને રાજકીય વિશ્લેષકો વચ્ચે એક પ્રકારની સહમતિ છે કે પીએમ મોદી અને ભાજપની જીત નિશ્ચિત છે.

પીટરસન લખે છે કે ’વડાપ્રધાનની લોકપ્રિયતા અને મજબૂત નેતા તરીકેની તેમની છબી તેમજ ખાસ કરીને ઉત્તર ભારતના હિન્દી પટ્ટામાં ભાજપના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાથી મોટી સંખ્યામાં હિન્દુ મતદારો પ્રભાવિત છે. ૨૦૧૪ થી, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે દેશનો જાહેર અભિપ્રાય મોટાભાગે ભાજપ તરફ નમ્યો છે. લેખમાં લખવામાં આવ્યું છે કે ’ભારતના દક્ષિણ અને પૂર્વમાં વિરોધ પક્ષો ભાજપ કરતાં વધુ મજબૂત છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષ વેરવિખેર અને નબળા દેખાય છે.’

ગાર્ડિયનના લેખમાં કોંગ્રેસ વિશે લખવામાં આવ્યું છે કે ’તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં તેલંગાણામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વિજય થયો છે પરંતુ તે હજુ પણ ત્રણ રાજ્યોમાં સત્તામાં છે અને પાર્ટી આંતરિક કલહથી ઝઝૂમી રહી છે. વિપક્ષી દળોએ ગઠબંધન કરી લીધું છે પરંતુ વિપક્ષી પાર્ટીઓ હજુ પણ ઘણા મહત્વના મુદ્દાઓ પર સહમત નથી. જો કે આ તમામ પાર્ટીઓ ભાજપ સામે એક થઈને લડવાની વાત કરી રહી છે. સામાન્ય લાગણી એ છે કે અત્યારે ભાજપની જીત નિશ્ચિત જણાય છે.

લેખ અનુસાર, ’પીએમ મોદી ૨૦૧૪માં સત્તા વિરોધી લહેરની મદદથી સત્તામાં આવ્યા હતા. જ્યારે ૨૦૧૯ની જીતમાં, આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પર થયેલા હવાઈ હુમલાને કારણે, રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના તેના પક્ષમાં ગઈ અને તેને જીત મળી. જોકે, એ સ્પષ્ટ નથી કે ભાજપ આ વખતે ૨૦૧૯ની બહુમતીનું પુનરાવર્તન કરી શકશે કે નહીં. રાજસ્થાન, મઘ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પીએમ મોદીની લોકપ્રિયતાનો પુરાવો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વ્યૂહાત્મક રીતે વડાપ્રધાનના ચહેરાને પ્રાધાન્ય આપ્યું હતું સ્થાનિક નેતાઓને નહીં. વડાપ્રધાને વિધાનસભા ચૂંટણીમાં ડઝનબંધ રેલીઓ યોજી હતી અને પોતે લોકોને પાર્ટીને મત આપવા માટે કહ્યું હતું. પીએમ મોદીની વોટ અપીલનો આધાર ભાજપ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ તેમજ તેનો રાષ્ટ્રવાદી એજન્ડા હતો.