ગાંધીનગર,લોક્સભાની ચૂંટણી આડે હવે એકાદ વર્ષનો સમય બાકી છે, ત્યારે ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. લોક્સભાની તમામે તમામ ૨૬ બેઠકો જીવવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વચ્ચે હવે લોક્સભાની ચૂંટણી પહેલા કમલમ કાર્યાલયના સંચાલન માટે કમિટી બનાવવામાં આવી છે.
કાર્યાલય સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં ૫ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રકાંત દવે, સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે.
આ પાંચ સભ્યોની બનાવેલી કમિટીને વિવિધ જિલ્લાનો પ્રવાસ કરશે. તેઓ જિલ્લા તાલુકા અને મંડળના કાર્યપ્રણાલીની સમીક્ષા કરશે અને ભાજપને એક્ટિવ કરશે. વર્તમાન ભાજપના સંગઠનની કામગીરી અંતર્ગતની પણ સમીક્ષા કરશે. લોક્સભાની ચૂંટણીમાં ભાજપ નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગુજરાતની ૨૬માંથી ૨૬ લોક્સભા બેઠકો જીતવાની હેટ્રિક પોતાના નામે કરવા માંગે છે. આ માટે તેમણે લક્ષ્યાંક પણ રાખેલો છે.
મહત્વનું છે કે, સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેનું પરિણામ ભાજપને ખૂબ સારું મળ્યું હતું. ત્યારે હવે લોક્સભાની ચૂંટણી પહેલા પણ ભાજપે ૩૩ જિલ્લાઓમાં સરકાર અને સંગઠન એમ બંનેના વડાનો વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પ્રારંભ કર્યો છે.