- ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી લોક્સભા બેઠક પરથી લડશે.
- ૨૦૧૯ પહેલા સુધી નહેરૂ-ગાંધી પરિવારનો આ ગઢ માનવામાં આવતો હતો.
નવીદિલ્હી,
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી લોક્સભા બેઠક પરથી લડશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ પહેલા સુધી નહેરૂ-ગાંધી પરિવારનો આ ગઢ માનવામાં આવતો હતો. આ દાવો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના નેતા અજય રાય દ્વારા કરવામાં આવ્યો છે. અજય રાય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, તેમણે જણાવ્યું હતું કે, તેમની અમેઠીના લોકોને અપીલ છે કે, રાહુલ ગાંધીને મોટા માર્જીનથી જીતાડીને સંસદમાં મોકલો.
૨૦૧૯ લોકોસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સામે ચૂંટણી હારતા પહેલા સુધી રાહુલ ગાંધી સતત ૩ વાર લોક્સભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. હાલ તેઓ કેરળની વાયનાડ લોક્સભા બેઠક પરથી સાંસદ છે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અજય રાયે અમેઠીમાંથી રાહુલના ચૂંટણી લડવા અંગે વાત કરતા પત્રકારોને જણાવ્યું હતું કે, અમેઠીમાં ગાંધી-નેહરુ પરિવારનો જૂનો સંબંધ છે. આ સંબંધને કોઈ નબળો પાડી શકે નહીં. રાહુલ ગાંધી ૨૦૨૪માં અમેઠીથી ચૂંટણી લડશે.
આ પહેલા કોંગ્રેસના કોઈપણ નેતાએ રાહુલના અમેઠીથી આગામી ચૂંટણી લડવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી. રાહુલે ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં અમેઠીથી લોક્સભા ચૂંટણી જીતી છે. જોકે, ૨૦૧૯ માં તેઓ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા.રાહુલ ગાંધી પહેલા તેમની માતા સોનિયા ગાંધી અને પિતા રાજીવ ગાંધી પણ અમેઠી લોક્સભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
અજય રાયે પોતે ૨૦૧૪ અને ૨૦૧૯ માં વારાણસીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંને વખત ભારે માજનથી પરાજય થયો હતો.રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે તેમણે જણાવ્યું છે કે, તે આવતા વર્ષે ૩ કે ૪ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. કોંગ્રેસની આ યાત્રા હાલ રાજસ્થાનમાં છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા પહોંચે તે પહેલા ૬ પ્રદેશોમાં આવી જ પ્રદેશ યાત્રા કાઢવામાં આવી રહી છે. દરેક પ્રદેશ માટે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે.૧૧ ડિસેમ્બરના રોજ, રાયના નેતૃત્વમાં સમાન પ્રાદેશિક યાત્રા પ્રયાગરાજથી શરૂ થઈ હતી, જે કૌશામ્બી અને પ્રતાપગઢ થઈને બુધવારના રોજ અમેઠી પહોંચી હતી. આ પ્રસંગે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ સિંઘલ અને પૂર્વ એમએલસી દીપક સિંહ પણ હાજર હતા. અમેઠી બાદ પ્રાદેશિક યાત્રા સુલતાનપુર પહોંચશે અને બાદ જૌનપુર, મિર્ઝાપુર, ચંદૌલી, ભદોહી, સોનભદ્રમાંથી પસાર થશે અને અંતે ૨૨ ડિસેમ્બરના રોજ વારાણસીમાં સમાપ્ત થશે.
અજય રાયનો આરોપ છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન દરેક જગ્યાએ તણાવ છે. તેમણે આરોપ લગાવ્યો કે, વેપારીઓ તેમની દુકાનો છોડીને ભાગી રહ્યા છે.
રાહુલજીએ જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ કહ્યો હતો, આજે તે સાચો સાબિત થયો છે. જીએસટીને લઈને વેપારીઓમાં ભય છે. જે વેપારીઓ લાંબા સમયથી ભાજપને સમર્થન આપી રહ્યા હતા, તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રી કહે છે કે, ચોરો સામે કાર્યવાહી થવી જોઈએ. તેનો અર્થ એ છે કે, આજે વેપારીઓ ’ચોર’ બની ગયા છે.