દેશની વિધાનસભાઓમાં સરેરાશ ૨૧ દિવસ કામકાજ થયું હતું . આ દરમિયાન ૫૦૦થી વધુ બિલ પાસ કરવા ઉપરાંત રાજ્યોમાં બજેટ પણ પસાર કરવામાં આવ્યાં હતાં. ૫૬ ટકા બિલ તો રજૂ કરવાના દિવસે જ પાસ કરી દેવામાં આવ્યાં હતાં. બિહાર, ગુજરાત, પશ્ર્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, દિલ્હી સહિત નવ રાજ્યોમાં તો જે દિવસે બિલ રજૂ કરવામાં આવ્યાં તે જ દિવસે પસાર કરી દેવાયાં હતાં.
રાજસ્થાન, દિલ્હી સહિત ચાર રાજ્યોમાં સત્રની પૂર્ણાહુતિ થઇ નથી જેથી રાજ્યપાલની મંજૂરી લેવાની જરૂર પડી નથી. બજેટ સત્રમાં તમિલનાડુમાં સૌથી વધુ ૯૦ ટકા, ગુજરાત અને રાજસ્થાનમાં ૮૦ ટકા બેઠકો થઇ હતી. તમિલનાડુમાં બજેટ પર ૨૬ દિવસ ચર્ચા થઇ હતી. દિલ્હી, મધ્યપ્રદેશ અને પંજાબમાં આ મામલે બે દિવસ જ ચર્ચા થઇ હતી. રિસર્ચ એજન્સી પીઆરએસ લેજિસ્લેટિવે દેશભરની ૨૮ વિધાનસભા અને બે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને પુડ્ડુચેરીમાં વર્ષ ૨૦૨૨માં થયેલી કામગીરીને લઇને અહેવાલ તૈયાર કર્યો છે. સાત રાજ્યોમાં ૩૦ દિવસથી વધારે બેઠક, ૧૬ રાજ્યોમાં ૨૦ દિવસથી ઓછી બેઠક : કર્ણાટક વિધાનસભા સૌથી વધારે ૪૫ દિવસ સુધી ચાલી હતી. ત્યારબાદ બંગાળ વિધાનસભા ૪૨ દિવસ અને કેરળ વિધાનસભા ૪૧ દિવસ સુધી ચાલી હતી. બંગાળ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા અગાઉના વર્ષ ( ૨૦૨૧)ની સરખામણીમાં વધારે ચાલી હતી. હિમાચલપ્રદેશ, કેરળ, તેલંગાણા વિધાનસભા ૨૦૨૧ની તુલનામાં ઓછી ચાલી હતી.
સૌથી વધુ ૧૬ ટકા બિલ શિક્ષણ સાથે જોડાયેલાં પાસ થયાં હતાં. પશ્ર્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળમાં યુનિવર્સિટી વહીવટીતંત્રમાં રાજ્યપાલોની ભૂમિકા બદલવા સાથે સંબંધિત બિલ પાસ કરવામાં આવ્યાં હતાં. રાજ્યપાલો પાસેથી કુલપતિ નીમવાના અધિકાર આંચકી લેવામાં આવ્યા. હરિયાણા અને કર્ણાટકમાં ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવા સાથે સંબંધિત કાયદા બનાવાયા. છત્તીસગઢમાં જુગાર વિરોધી કાયદા બનાવાયા. છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિળનાડુ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશમાં ધારાસભ્યો અને સરકારી અધિકારીઓનાં પગાર, પેન્શન અને અન્ય સુવિધાઓને વધારવા સાથે સંબંધિત કાયદા બનાવવામાં આવ્યા અથવા તો સુધારા કરવામાં આવ્યા.
વર્ષ ૨૦૨૨ દરમિયાન ૩૦ બિલ વિસ્તૃત અભ્યાસ માટે કમિટીઓની પાસે મોકલવાયા. ૫૭ ટકા બિલને એક મહિનાની અંદર જ રાજ્યપાલ અથવા તો ઉપરાજ્યપાલની મંજૂરી મળી ગઇ હતી. દિલ્હીમાં પસાર બિલને મંજૂરી મળવામાં સૌથી વધારે ૧૮૮ દિવસ લાગ્યા હતા. બંગાળમાં રાજ્યપાલની મંજૂરી મળવામાં સરેરાશ ૯૭ દિવસ અને છત્તીસગઢમાં ૮૯ દિવસ લાગ્યા.
જુલાઇ ૨૦૨૨માં ગોવા વિધાનસભામાં ૧૦ દિવસના સત્ર દરમિયાન માત્ર બે દિવસમાં ૨૬ બિલ પાસ થયાં હતાં. બજેટ પર દેશભરની વિધાનસભામાં સરેરાશ આઠ દિવસ ચર્ચામાં લાગ્યા હતા. તમિલનાડુમાં બજેટ પર ચર્ચામાં સૌથી વધુ ૨૬ દિવસ લાગ્યા, કર્ણાટકમાં ૧૫ દિવસ, ઓડિશા અને કેરળમાં ૧૪-૧૪ દિવસ લાગ્યા હતા. રાજસ્થાનમાં ૧૩, ગુજરાતમાં ૧૨, ઝારખંડમાં ૧૧, બંગાળમાં ૭, છત્તીસગઢમાં ૬, મહારાષ્ટ્રમાં પાંચ દિવસ બજેટ પર ચર્ચા થઇ હતી. દિલ્હી, મધ્યપ્રદેશ, અને પંજાબમાં બજેટ પર માત્ર બે દિવસ ચર્ચા થઇ હતી.