૨૦૨૨-૨૩માં છ રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક રૂ.૩૦૭૭ કરોડ: એડીઆર

નવીદિલ્હી, છ રાષ્ટ્રીય પક્ષે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની કુલ આવક જાહેર કરી છે. જેમાં તમામ પક્ષોની કુલ આવક લગભગ રૂ.૩,૦૭૭ કરોડ રહી છે. જેમાં ભાજપ ૭૬.૭ ટકા હિસ્સા સાથે મોખરે અને કોંગ્રેસ ૧૪.૭ ટકા હિસ્સા સાથે બીજા ક્રમે રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ બુધવારે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભાજપની આવક સૌથી વધુ રૂ.૨,૩૬૧ કરોડ રહી છે.

જ્યારે કોંગ્રેસે રૂ.૪૫૨.૩૭૫ કરોડની આવક જાહેર કરી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત, બીએસપી, આપ, એનપીપી અને સીપીઆઇ-એમે પણ તેમની આવકના આંકડા જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૨-૨૩ના ગાળામાં ભાજપની આવક ૨૩.૧૫ ટકા અથવા રૂ.૪૪૩.૭૨૪ કરોડ વધીને ૨૦૨૧-૨૨ના રૂ.૧,૯૧૭.૧૨ કરોડની તુલનામાં ૨૦૨૨-૨૩માં રૂ.૨,૩૬૦.૮૪૪ કરોડે પહોંચી છે. સૂચિત ગાળામાં એનપીપીની આવક ૧૫૦૨ ટકા અથવા રૂ.૭.૦૯ કરોડ ઉછળી છે. ૨૦૨૧-૨૨ના રૂ.૪૭.૨૦ લાખથી વધીને ૨૦૨૨-૨૩માં તે રૂ.૭.૫૬૨ કરોડ થઈ છે.

આમ આદમી પાર્ટી (આપની આવકમાં પણ ૯૧.૨૩ ટકા (રૂ.૪૦.૬૩૧ કરોડ) ઉછાળો નોંધાયો છે. તે ૨૦૨૧-૨૨ના રૂ.૪૪.૫૩૯ કરોડથી વધીને ૨૦૨૨-૨૩માં રૂ.૮૫.૧૭ કરોડ થઈ છે. ૨૦૨૧-૨૨થી ૨૦૨૨-૨૩ના ગાળામાં કોંગ્રેસ, સીપીઆઇ(એમ) અને બીએસપીની આવકમાં અનુક્રમે ૧૬.૪૨ ટકા (૮૮.૯૦ કરોડ), ૧૨.૬૮ ટકા (રૂ.૨૦.૫૭૫ કરોડ) અને ૩૩.૧૪ ટકા (રૂ.૧૪.૫૦૮ કરોડ)નો ઘટાડો થયો છે. એડીઆરે પક્ષો દ્વારા ચૂંટણી પંચને સુપરત કરાયેલા ડેટાને આધારે અહેવાલ તૈયાર કર્યો છે. ભાજપે ૨૦૨૨-૨૩માં કુલ રૂ.૨૩૬૦.૮૪૪ કરોડની આવક જાહેર કરી છે. સૂચિત ગાળામાં કોંગ્રેસની કુલ આવક રૂ.૪૫૨.૩૭૫ કરોડ રહી છે.