સુરત,સુરત મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અને BRTS નું સંચાલન કરવામાં આવે છે. પરંતુ આ બસના ડ્રાઇવરોને જાણે બરાબર ટ્રેનિંગ ન આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે બીઆરટીએસ અને સીટી બસના અકસ્માતથી ૪ મહિનામાં ૫ લોકોના મોત થયા છે એટલે કે સરેરાશ દર ૧૫ દિવસે બસ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની મોત થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અને બીઆરટીએસ બસનું સંચાલન સુધારવા માટે ડ્રાઇવરોને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ નવી બસો પણ ઉમેરવામાં આવી રહી છે. પરંતુ અકસ્માતો પર અંકુશ મેળવવામાં મહાનગરપાલિકાના તમામ પ્રયાસો નિષ્ફળ નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે જ્યારે અકસ્માતોની ઘટના સામે આવે છે ત્યારે અકસ્માતમાં મોટાભાગે રાહદારી અથવા તો સામેવાળા વાહનચાલકની બેદરકારી કે સામેવાળા વ્યક્તિની બેદરકારી હોવાનું કહેવામાં આવે છે. તો બીજી તરફ બીઆરટીએસ અને સીટી બસના સંચાલનના ૭ વર્ષે પણ હજુ ડ્રાઇવરો ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે.
છેલ્લા ૭ વર્ષમાં થયેલા અકસ્માતોની વાત કરવામાં આવે તો ૨૦૧૬માં ૯ લોકોના મોત થયા હતા અને ૭ લોકોને ગંભીર ઈજા થઈ હતી. ૨૦૧૭માં ૧૩ લોકોના મોત થયા હતા અને ૫ લોકોને ગંભીર ઇજા થઈ હતી. ૨૦૧૮માં ૧૬ લોકોના મોત થયા હતા તો ૧૯ લોકોને ગંભીર ઈજા થઈ હતી. ૨૦૧૯માં ૧૫ લોકોના મોત થયા હતા અને ૧૦ લોકોને ગંભીર ઈજા થઈ હતી. ૨૦૨૦માં ૫ લોકોના મોત થયા હતા અને ૩ લોકોને ગંભીર ઇજા થઈ હતી. ૨૦૨૧માં ૯ લોકોના મોત થયા હતા અને ૫ને ગંભીર ઇજા થઈ હતી. ૨૦૨૨માં ૧૪ લોકોના મોત થયા હતા અને ૨૩ને ગંભીર ઇજા થઈ હતી. તો ૨૦૨૩માં ૫ લોકોના મોત થયા છે અને ૩ને ગંભીર ઇજા થઈ છે. ત્યારે છેલ્લા ૮ વર્ષના સમયમાં સીટી બસ અને બીઆરટીએસ બસોના અકસ્માતમાં કુલ ૮૬ લોકોના મોત થયા છે અને ૭૫ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ૨૦૨૩ની આ આંકડાકીય માહિતી એપ્રિલ મહિના સુધીની જ છે.