નવીદિલ્હી, ૨૦૧૬થી ૨૦૨૨ સુધીનાં છ વર્ષમાં બાળકો સાથેના દુષ્કર્મના કેસ ૯૬ ટકા વધ્યા છે. બાળ અધિકારોની બિનસરકારી સંસ્થા (ક્રાઇ) દ્વારા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડાના વિશ્લેષણ બાદ આ બાબત સામે આવી છે.
ચાઇલ્ડ રાઇટ્સ ફંડ યૂ (ક્રાઇ)માં સંશોધન અને જ્ઞાનવિનિમયના ડાયરેક્ટર શુભેન્દુ ભટ્ટાચારજીએ કહ્યું કે જનજાગરૂક્તામાં સુધારો થયા બાદ બાળકો સાથેના જાતીય ગુનાઓના વધારે કેસ નોંધાવાયા છે. બીજી તરફ, આ સંબંધમાં હેલ્પલાઇન, ઓનલાઇન પોર્ટલો, અને ખાસ એજન્સીઓના માયમથી પીડિત અને તેના પરિજનો રિપોર્ટ નોંધાવવા આગળ આવ્યા છે. ક્રાઇ દ્વારા કરાયેલા વિશ્લેષણ દ્વારા જાણવા મળે છે કે એકલા ૨૦૨૧ અને ૨૦૨૨ વચ્ચે આવા કેસોમાં ૬.૯ ટકાની વૃદ્ધિ થઈ હતી. વિશ્લેષણ અનુસાર, એકલા ૨૦૨૨માં બાળકોના દુષ્કર્મના ૩૮,૯૧૧ કેસ નોંધાયા હતા.
ભટ્ટાચારજીએ કહ્યું કે બાળ જાતીય શોષણ જેવા સંવેદનશીલ મુદ્દા પર ખૂલીને ચર્ચા કરવાથી સામાજિક મૌન રહેવાની પ્રથા સમાપ્ત થઈ છે. બાળ જાતીય શોષણ વિશે ખૂલીને વાતચીતને પ્રોત્સાહિત કરવા અને કશાય ડર વગર બોલવાથી દુર્વ્યવહાર સામે વધારે રિપોર્ટ નોંધાવાયા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાકીય આવશ્યક્તાઓની બરાબરી કરવા માટે સુરક્ષાત્મક ઉપાય, બાળ સંરક્ષણ સુનિશ્ર્ચિત કરનારા મજબૂત કાયદા બનાવવા તે આ સંબંધમાં આવશ્યક પગલું છે.
ભટ્ટાચારજીએ બાળકોને ટાર્ગેટ કરનારા જાતીય અપરાધો સામે કાયદાને મજબૂત કરવા તથા નાગરિક સમાજ સંગઠનોની સક્રિય ભાગીદારીની સરાહના કરી બહુઆયામી રણનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.