૨૦૧૩ બોધગયા બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે તમામ ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા,૩૧ મેના રોજ સજાનું એલાન

પટણા, વર્ષ ૨૦૧૩માં બિહારના બોધગયામાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અંગે એનઆઇએની કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ૪ વર્ષ ૧૦ મહિના ૧૨ દિવસ બાદ આ મામલે પોતાનો નિર્ણય સંભળાવતા કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ત્યારે હવે આગામી ૩૧ મેના રોજ આ મામલે સજાનું એલાન કરવામાં આવશે.

બીજી બાજુ આ મામલાની સંવેદનશીલતા જોતા એનઆઇએ કોર્ટની બહાર સુરક્ષાનો પણ પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓને સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરાયા હતા. ૭ જુલાઈ, ૨૦૧૩ના રોજ બોધગયામાં થયેલા ૯ ધમાકાઓમાં પાંચ આરોપીઓ વિરુધ દ્ગૈંછ કોર્ટના જજ મનોજ કુમારે આ નિર્ણય સંભળાવ્યો હતો. નોધનીય છે કે, આ ધમાકામાં એક તિબ્બતના બૌદ્ધ સાધુ અને મ્યાનમારના તીર્થ યાત્રી ઘાયલ થયા હતા.

મહત્વનું છે કે. ૪ વર્ષ પહેલા આ બોમ્બ બ્લાસ્ટના કેસમાં એનઆઇએ દ્વારા ૯૦ સાક્ષીઓને રજૂ કરાયા હતા. આ પહેલા ૧૧ મે, ૨૦૧૮ના રોજ બંને પક્ષો વચ્ચે કરાયેલી ચર્ચા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટના કેસના આરોપીયોમાં ઈમ્તિયાઝ અંસારી, અજહરુદ્દીન કુરેશી, અને મુજિબુલ્લાહ અંસારી શામેલ હતા. હાલ તેઓ પટનાની બેઉર જેલમાં બંધ છે.

એનઆઇએ દ્વારા આ મામલાની તપાસ કર્યા બાદ તમામ આરોપીઓ પર ત્રણ જૂન, ૨૦૧૪ના રોજ ચાર્જસીટ ફાઈલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓ ૨૭ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ થયેલા પટનાના ગાંધી મેદાનમાં થયેલા બ્લાસ્ટમાં પણ આરોપી છે.