નવીદિલ્હી,
ટી-૨૦ વર્લ્ડકપની વાત કરવામાં આવે એટલે પહેલી સીઝનનું નામ દરેક ભારતીયની જીભ ઉપર સંભળાય જ છે. ૨૦૦૭માં ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટનશિપમાં ટી-૨૦ વર્લ્ડકપનો પહેલો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ધોની સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક છે. હવે પહેલી સીઝનની યાદમાં એક વેબસિરીઝ બનવા જઈ રહી છે જેની મદદથી ચાહકો સામે વર્લ્ડકપ-૨૦૦૭ના સાંભળ્યા ન હોય તેવા કિસ્સા પ્રસ્તુત કરવામાં આવશે.
આ વેબ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ૧૫ ખેલાડીઓ જોવા મળી શકે છે. આ વાતની જાણકારી જાણીતા ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે સોશ્યલ મીડિયા દ્વારા આપી છે. આ વેબ સિરીઝ ૨૦૨૩માં રિલિઝ થશે. પ્રોડયુસર ગૌરવ બહિર્વાની, ડાયરેક્ટર આનંદ કુમાર અને રાઈટર સૌરભ પાંડેની દેખરેખમાં આ સિરીઝ ઉપર કામ ચાલી રહ્યું છે.
તરણ આદર્શ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ સિરીઝ હિન્દી સહિત અન્ય ભાષાઓમાં રિલિઝ કરવામાં આવશે. ક્રિકેટ સાથે જોડાયેલી અન્ય ફિલ્મો અત્યાર સુધી બની ગઈ છે. ધોનીની લાઈફ સ્ટોરી પર બનેલી ’એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી.
તરણ આદર્શે પોતાના ટવીટમાં વેબસિરીઝની જાણકારી આપતાં જણાવ્યું કે ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ ઉપર હવે વેબસિરીઝ બનશે. આ વેબસિરીઝ અનેક ભાષાઓમાં રિલિઝ કરાશે જેમાં ૧૫ ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. ૨૦૨૩માં આ વેબસિરીઝને રિલિઝ કરાશે. વેબસિરીઝનો બે તૃતિયાંશ હિસ્સો શૂટ થઈ ચૂક્યો છે.
ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૦૭નો ફાઈનલ મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. આ મેચમાં કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાન આમને સામને હતા જેમાં છેવટ સુધી વિજેતા નક્કી થઈ શકે તેમ નહોતું પરંતુ અંતમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ રને પરાજિત કર્યું હતું. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨માં પણ ટીમ ઈન્ડિયા પાસે ટ્રોફીની આશા હતી પરંતુ સેમિફાઈનલમાં પહોંચીને ભારતે ઈંગ્લેન્ડ સામે ઘૂંટણીયા ટેકવી દીધા હતા.