અમદાવાદ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી સેવા દરિયાકાંઠા વિસ્તારો માટે ખાસ સજ્જ કરવામાં આવી છે. ૨૦૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ છે.
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાને લઈને ૧૦૮ ઈમરજન્સીનું આયોજન કરાયુ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એમ્બ્યુલન્સને તહેનાત કરાઇ છે. હાલ ૨૦૦થી વધુ એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રમાં કાર્યરત છે. ૨૦૦માંથી ૧૫ એમ્બ્યુલન્સ ઇફેકટેડ કોસ્ટલ એરિયામાં રાખવામાં આવી છે. જેથી કોઇપણ ગંભીર પરિસ્થિતિ હોય તો તેમાં મેડિકલ સેવા આપી શકાય.
કોસ્ટલ એરિયામાં સુરેન્દ્રનગર અને મોરબીથી એમ્બ્યુલન્સ મોકલી દેવામાં આવી છે. જેથી ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સારવાર આપી શકાશે. તમામ એમ્બ્યુલન્સમાં દવાનો પૂરતો જથ્થો પણ રાખવામાં આવ્યો છે. જેથી વિકટ પરિસ્થિતિમાં પણ દવાનો જથ્થો ખૂટે નહીં. બીજી તરફ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફને સતર્ક રહેવા આદેશ કરવામાં આવ્યા છે. તો સાથે જ જો જરૂર જણાય તો અન્ય એમ્બ્યુલન્સની સુવિધા વધારાઈ શકે છે.
વાવાઝોડાના ખતરાને લઈને પીજીવીસીએલ એલર્ટ મોડ પર છે. સૌરાષ્ટ્રમાં ૧૧ હજારથી વધુ કર્મચારીઓનો સ્ટાફ સ્ટેન્ડ ટુ છે. દરિયા કાંઠા વિસ્તારમાં પીજીવીસીએલના કર્મીઓ ૨૪ કલાક સ્ટેન્ડ ટુ રહેશે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકામાં કર્મચારીઓ ખડેપગે છે. અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પીજીવીસીએલનો સ્ટાફ સજ્જ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ૭૦ હજાર વીજપોલનો સ્ટોક રખાયો છે.
દરેક સબ ડિવિઝનમાં ૩ ટીમ ૨૪ કલાક ખડેપગે રહેશે. ઇજનેર, લાઇનમેન અને કોન્ટ્રાકટરની ૩ ટીમ હાજર રહેશે. જૂનાગઢમાં સાસણ દેવળીયા સફારી પાર્ક બંધ છે. ગિરનાર સફારી પણ બંધ રહેશે. પોરબંદર રૂટની તમામ એસટી બસ બંધ રહેશે.