20 જિલ્લામાં વરસાદની આગાહી : 3 દિવસ કમોસમી વરસાદ રાજ્યના ચારેય ઝોનના ખેડૂતોને રડાવશે

ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે ભાદરવાનાં એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. આજથી ત્રણ દિવસ એટલે કે, 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડે તેવી વકી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતા 51%થી 75% છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે.

બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે, કારણ કે ગાઢ ધુમ્મસને કારણે શિયાળા પાક પર અસર થઈ રહી છે, તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. હાલ ખેડૂતો કુદરતને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે, આ ઘાત માથેથી ટળે…