બે વિવાદાસ્પદ નિવેદન: ભાયાણીને આચારસંહિતા ભંગ કર્યાનો રીપોર્ટ, કિરીટ પટેલને ક્લિનચીટ

જૂનાગઢ, રાજ્યમાં લોક્સભાની ચૂંટણી માટે મતદારોને રિઝવવાનો પ્રયાસ જોરશોરથી ચાલી રહ્યો છે. પ્રચારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદનો બોલ્યા હતા. આ વિવાદમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સામે આચાર સહીતા ભંગનો રિપોર્ટ કરાયો છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે આચારસંહિતાનો ભંગ કર્યો નથી એવો રિપોર્ટ સોંપ્યો છે. જોકે, અરજદારે જિલ્લા ભાજપ પ્રમુખને આ રીતે અપાયેલી ક્લીનચીટ સામે વાંધા અરજી કરી વિરોધ નોંધાવ્યો છે.

વિસાવદરમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેની પટરાણીઓ વિશે વિવાદીત નિવેદન કર્યુ હતુ. બંને નિવેદનો બાદ ભારે ચર્ચામાં આવ્યો હતો.

ભૂપત ભાયાણી અને કિરીટ પટેલ સામે ચૂંટણી તંત્રમાં આચારસંહિતા ભંગ અંગે કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ આ અંગેનો રિપોર્ટ વિસાવદર એ.આર.ઓ.ને આપ્યો હતો. ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત નિવેદન જાહેરમાં આપ્યું હોવાથી આ કિસ્સામાં આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કોઇના પર વ્યક્તિગત નિવેદન કર્યું ન હોવાથી આ કિસ્સામાં આચારસંહિતા ભંગ લાગતો ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ જિલ્લા નોડલ અધિકારીને મોકલવામાં આવ્યો છે.

આ અંગે ભૂપત ભાયાણી જણાવ્યુ હતુ કે, મને કોઇ ચૂંટણી પંચની નોટિસ મળી નથી અને આ અંગેની મને હાલ કોઇ જાણકારી મળી નથી. પહેલા પણ મેં મારા નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી લીધી છે. નોટિસ મળ્યા બાદ કાયદાકીય રીતે જે લડત થશે તે કરીશ.