બે વર્ષમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૬૮ લૂંટ-ચોરીને અંજામ આપનારી ચડ્ડી-બનીયાનધારી ગેંગને દબોચી લેતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતની પોલીસ માટે પડકાર બની ગયેલી ચડ્ડી-બનીયાનધારી ગેંગને દબોચી લેવામાં અંતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે.છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને ચોરી લૂંટને અંજામ આપતી આ ગેંગના ૧૨ લોકોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને ૬૮ જેટલી લૂંટ-ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.

રાજકોટમાં છેલ્લા બે મહિનાથી દર ત્રીજા દિવસે ચડ્ડી-બનીયાનધારી ટોળકી દ્વારા લૂંટ અને ચોરી થઈ રહી હોવાથી આ ગેંગને પકડવા માટે પોલીસે રાત-દિવસ એક કર્યા હતા જેમાં તેને સફળતા સાંપડી છે. જો કે હજુ આ ગેંગના આઠ લોકો ફરાર હોય તેમને ઝડપથી પકડી પાડવા તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પડકાર ફેંકી રહેલી આ ગેંગને કોઈપણ ભોગે દબોચી લેવા આદેશ આપ્યા બાદ ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ ડી.સી.સાકરિયા, કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, એ.એસ.ગરચર સહિતના સ્ટાફે ગેંગને પકડવા માટે ઠેર-ઠેર દોડધામ શરૂ કરી હતી.

દરમિયાન જ્યાં જ્યાં લૂંટ-ચોરીનો બનાવ બન્યો હોય ત્યાંના સીસીટીવી કેમેરાનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગેંગના આરોપીઓની એમઓ (મોડેસ ઓપરેન્ડી)નો તાગ મેળવવામાં આવ્યો હતો. આ પછી આજુબાજુના જિલ્લાઓમાં થયેલી લૂંટ-ચોરીની માહિતી એકઠી કરી ટેક્નીકલ સોર્સ અને હ્યુમન સોસસની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા તેમજ આખા ગુજરાતમાં અગાઉ પકડાયેલી ગેંગના સભ્યોનો ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં ગુનાહિત ઈતિહાસ ચેક કરી અત્યારે આ લોકો શું કરી રહ્યા છે તેની માહિતી મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી.

આ ટીમોને સફળતા મળી હોય તેવી રીતે લૂંટ-ચોરી કરવાનો મુખ્ય સૂત્રધાર લાલો ઉર્ફે સુભાષ ખુમસીંગભાઈ રનજીભાઈ પલાસ (રહે.નવો ૧૫૦ ફૂટ રિંગરોડ, એસઆરપી કેમ્પ પાસે, મુળ દાહોદ) મળી જતાં તેની અટકાયત કરીને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ પછી ક્રાઈમ બ્રાન્ચે ગેંગમાં સામેલ રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે મળીયાભાઈ મોહનીયા, છપ્પર ઉર્ફે છપરીયા હરુભાઈ પલાસ, રાકેશ રાળીયાભાઈ પલાસ, રાજુ સવસીંગ બારીયા, શૈલેષ ઉર્ફે શૈલો રતનસિંગ ઉર્ફે રતના કટારા, કાજુ માવસીંગ પલાસ, શૈલેષ જવસીંગભાઈ ડામોર, મનિષ ઉર્ફે મનેષ રાવસિંગ ભાભોર, અપીલ અમરસીંગ પલાસ, રાહુલ સુરેશભાઈ નીનામા અને મીથુન વરસીંગભાઈ મોહનીયાને દબોચી લઈ આ લોકોએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કરેલી ૬૮ લૂંટ-ચોરીના બનાવોનો ભેદ ઉકેલી નાખ્યો છે.

જ્યારે ગેંગમાં સામેલ રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે માળિયાભાઈ મોહનીયા, લાલો ઉર્ફે સુભાષ ખુમભરત બાદરસીંગ પલાસ, ગોરધન ધીરૂભાઈ પલાસ, ગોરા ઉર્ફે ગોરો વરસીંગ મોહનીયા, મુકેશ રામસુભાઈ મેડા, મડીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયા, પ્રકાશ દિત્યા ઉર્ફે દીતીયાભાઈ પલાસ, કાલસીંગ ઉર્ફે કાલો અને અજય નાયક ફરાર થઈ ગયા હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ પકડાયેલા લોકો પાસેથી ગીલોલ સહિતના હથિયારો ઉપરાંત સોના-ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ મળી કુલ રૂા.૨.૩૯ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.