મુંબઇ,ફિલ્મ ’મોહબ્બતેં’માં પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવનાર અભિનેત્રી કિમ શર્મા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. સમાચાર અનુસાર, અભિનેત્રી લિએન્ડર પેસથી અલગ થવા જઈ રહી છે. આ વાતનો ખુલાસો ઇ-ટાઇમ્સે કર્યો હતો. જોકે કિમ અને લિએન્ડરે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ હાલમાં જ કિમે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લિએન્ડરની તમામ તસવીરો હટાવીને બ્રેકઅપના સમાચાર પર મહોર લગાવી દીધી છે.
વાસ્તવમાં કિમ શર્મા ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસને લાંબા સમયથી ડેટ કરી રહી છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા નથી. સોશિયલ મીડિયા પર પણ આ કપલ ખુલ્લેઆમ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. કિમે હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લિએન્ડરની તમામ યાદોને ભૂંસી નાખી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે લિએન્ડરે કિમની તસવીરો ડિલીટ કરી નથી અને બંને હજુ પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે.
બંને વચ્ચેના સંબંધોની શરૂઆત વર્ષ ૨૦૨૧માં થઈ હતી. જે પછી વર્ષ ૨૦૨૨માં આ કપલે તેમની પહેલી એનિવર્સરી એક્સાથે સેલિબ્રેટ કરી હતી. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
લિએન્ડર પેસ પહેલા કિમ શર્માનું નામ અભિનેતા હર્ષવર્ધન રાણે સાથે પણ જોડાયું હતું. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા અને પછી અલગ થઈ ગયા. બીજી તરફ, લિએન્ડર લગભગ ૧૦ વર્ષથી સંજય દત્તની પત્ની અને મોડલ રિયા પિલ્લઈ સાથે રહે છે. બીજી તરફ, રિયાના કહેવા પ્રમાણે, તેણે વર્ષ ૨૦૦૫માં પેસ સાથે લગ્ન કર્યા હતા.