બે વખતની મેડલ વિજેતા સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં માત્ર ૨૭ મિનિટમાં મેચ જીતી

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં જીત સાથે ડેબ્યૂ કર્યું હતું. બેડમિન્ટનની મહિલા વર્ગમાં ભારતીય સ્ટાર પીવી સિંધુનો સામનો માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાક સામે થયો હતો. સિંધુએ ફાતિમા સામે આસાન જીત નોંધાવી હતી. સિંધુએ ફાતિમાને સીધી ગેમમાં ૨૧-૯, ૨૧-૬થી હરાવી હતી. બંને ખેલાડીઓ વચ્ચેની મેચ માત્ર ૨૭ મિનિટ ચાલી હતી. આ જીત સાથે સિંધુએ આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.

સિંધુએ તેનો પહેલો સેટ માત્ર ૧૩ મિનિટમાં જીત્યો હતો, જ્યારે બીજો સેટ માત્ર ૧૪ મિનિટમાં જ જીત્યો હતો. ગ્રુપની પોતાની બીજી મેચમાં ૧૦મી ક્રમાંક્તિ સિંધુ બુધવારે એસ્ટોનિયાની વિશ્ર્વની ૭૫ ક્રમાંક્તિ ક્રિસ્ટિન કૂબા સામે ટકરાશે. પીવી સિંધુને પેરિસ ઓલિમ્પિકમાં એમ ગ્રુપમાં રાખવામાં આવી છે. આ જૂથમાં ફાતિમા નબાહા અબ્દુલ રઝાક અને ક્રિસ્ટી ક્યુબાનો સમાવેશ થાય છે.

પીવી સિંધુ તેની પ્રથમ મેચમાં ફાતિમા નબાહા અબ્દુલ રઝાક સામે રમી હતી. આ મેચમાં સિંધુને આસાન જીત મળી હતી. બંને ખેલાડીઓ બીજી વખત સામસામે આવ્યા હતા. આ મેચ પહેલા સિંધુ અને ફાતિમા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં સામસામે આવી હતી. આ મેચમાં પણ સિંધુએ ફાતિમા સામે આસાનીથી જીત મેળવી હતી. ટોચની ક્રમાંક્તિ સિંધુએ ફાતિમાને ૨૧-૪ અને ૨૧-૧૧થી સીધી ગેમમાં હરાવી હતી.

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના નામે ઓલિમ્પિકમાં બે મેડલ છે. તેણે રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ તેનો પહેલો ઓલિમ્પિક મેડલ હતો. આ પછી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તેનો બીજો મેડલ હતો. જોકે, તે હજુ સુધી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડન જીતી શકી નથી.