નવીદિલ્હી, કૉમનવેલ્થ ગેમ્સમાં બે વખત ચેમ્પિયન બનનારી ભારતીય વેઈટલિટર સંજીતા ચાનૂ ડૉપ ટેસ્ટમાં પોઝિટીવ આવતાં ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સંજીતા પાછલા વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ગુજરાતમાં રમાયેલી નેશનલ ગેમ્સ દરમિયાન પરિક્ષણમાં પ્રતિબંધક દવાઓ લેતાં પકડાઈ હતી.
ભારતીય વેઈટલિટિંગ મહાસંઘના પ્રમુખ સહદેવ યાદવે કહ્યું કે, સંજીતાને પ્રતિબંધિત કરવામાં આવી છે. તેના પર આ પ્રતિબંધ નાડાએ લગાવ્યો છે. સંજીતા માટે આ મોટો ઝટકો છે. આ ઉપરાંત તેણે નેશનલ ગેમ્સમાં જીતેલો સિલ્વર મેડલ પણ પરત લઈ લેવામાં આવશે.
સંજીતાએ ૨૦૧૪માં ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં ૪૮ કિ.ગ્રા. કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આવી જ રીતે ૨૦૧૮માં તે ફરી ચેમ્પિયન બની હતી. સંજીતા પાસે હવે અપીલ કરવાની તક રહેશે પરંતુ તે અપીલ કરે તેવી શક્યતા ઓછી છે.