સુરત, સુરતના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટ પરથી પટકાયેલા બે શ્રમિકોના મોત મામલે ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે. બિલ્ડિંગના ૧૪ માં માળેથી નીચે પટકાયેલા બે પૈકીનો એક શ્રમિક સગીર હોવાની માહિતી સામે આવી રહી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી નિર્માણાધીન માધવ ક્રેસ્ટ નામની હાઇરાઇઝ બિલ્ડીંગના ૧૪ માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના મોત થયા હતા. ૧૪ માં માળે સ્લેબની કામગીરી દરમિયાન ૧૫ વર્ષીય ધર્મેશ મંગલીયા માવી અને ૩૦ વર્ષીય દુધો હુરજીભાઈ સિંગાડીયા મોતને ભેટ્યા હતા. ઘટના બાદ ડીંડોલી પોલીસે બંને મૃતકોની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. સગીરને કામ ઉપર કેમ લગાડયો અને આટલું જોખમી કામ કેમ સોંપાયું? તે પ્રશ્ર્નો ઉઠ્યા છે. આ ઘટનામાં અકસ્માત નોંધના સ્થાને આઇપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કરવા માંગ ઉઠી છે.