
સુરત, સુરતમાં બે સગા ભાઈએ સાથે જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. અમરોલીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બંને સગા ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પી લેતા બંન્નેનાં મોત નિપજ્યા છે. તેઓએ આથક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાય છે.
સુરતના અમરોલી વિસ્તારની ઘટના છે. જેમાં હિરેન ચંદુભાઈ સુતરિયા અને પરીક્ષિત ચંદુભાઈ સુતરિયા નામના બે સગા ભાઈઓએ આપઘાત કરી લીધો છે. બંનેએ અનાજમાં નાંખવાની દવા પી આપઘાત કર્યો હતો. બંને ભાઈઓ સુરતમાં રત્ન કલાકાર હતા. બંને હીરા ઘસવાનું કામ કરતા હતા. ત્યારે લોનના હપ્તા નહિ ભરાતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમીયાન બન્નેનું મોત નિપજ્યું છે. હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બંને ભાઈઓ હીરા ઘસવાનું કામ કરતા હતા, આ કામ કરીને તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ લોનના હપ્તા ન ચૂકવી શકવાને કારણે તેઓએ આ રીતે જીવન ટુંકાવ્યું છે. ત્યારે તેમના આ પગલાથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પરિવારે બે જુવાનજોધ દીકરા ગુમાવ્યા છે. તો આ ઘટનાથી સંબંધીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. સંબંધીઓનું કહેવુ છે કે, આ માનવામાં ન આવે તેવી ઘટના છે કે, બંને આવુ પગલુ ભરી શકે.