અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામા ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આ વખતે સીધો ૪૦ રૂપિયાનો વધારો કરાયો છે.
રાજકોટમાં આજે ખુલતા બજારે સીંગતેલના ભાવમાં વધારો કરાયો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં ડબ્બે ૪૦ રૂપિયાનો વધારો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલ થોડુ સસ્તુ થયું છે. કપાસિયા તેલમાં છેલ્લા બે દિવસમાં ૨૦ રૂપિયાનો ઘટાડો થયો છે. સીંગતેલ ૧૫ કીગ્રા નવા ડબ્બાનો ભાવ ૨૬૧૦-૨૬૬૦ રૂપિયા ,કપાસિયા નવા ટીનના ૧૫ ક્રિગ્રા તેલનો ભાવ ૧૭૧૦-૧૭૪૦
સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે.
બે મહિનમાં ક્યારે કેટલો વધારો થયો તે જોઇએ તો ૧૬ જુલાઈ – ૪૦ રૂપિયાનો વધારો,૪ જુલાઈ – ૭૦ રૂપિયાનો વધારો,૨૯ જુન – ૩૦ રૂપિયાનો વધારો,૫ મે- ૧૦ રૂપિયાનો વધારો
તો બીજી તરફ, શાકભાજીના વધતા ભાવથી ગૃહણીઓ મુશ્કેલીમાં મૂકાઈ છે. મોટાભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. નક્કી કરેલા બજેટથી શાકભાજીના ભાવ વધુ થયા છે. ડુંગળી ૫૦ રૂપિયા કિલો, બટેકા ૪૦ રૂપિયા કિલો થયા છે. લસણ ૪૦૦-૫૦૦ રૂપિયા, તો આદું ૧૬૦-૧૮૦ રૂપિયા કિલો પર પહોંચ્યું છે. વટાણા ૨૦૦ રૂપિયા અને ચોળી ૧૮૦-૨૦૦ રૂપિયા કિલો થયું છે. ભીંડા ૧૬૦-૨૦૦ રૂપિયા કિલો અને લાવર ૧૬૦-૧૮૦ રૂપિયા કિલો પહોંચી ગયા છે.
ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં વધારાને કારણે દેશમાં જથ્થાબંધ ફુગાવો જૂનમાં સતત ચોથા મહિને વધીને ૩.૩૬ ટકા થયો હતો. મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ૨.૬૧ ટકા હતો. જૂન ૨૦૨૩માં તે (-) ૪.૧૮ ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જૂન ૨૦૨૪ માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજો, ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે.