
શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં કોવિડ બાદ પર્યટનને પ્રોત્સાહન આપવા અને પુન:સ્થાપિત કરવાના પ્રયાસોનાં પરિણામો મળવા લાગ્ંયા છે. ગયા વર્ષે ૧.૮૮ કરોડ પ્રવાસી જમ્મુ-કાશ્મીર આવ્યા હતા. જેમાં ધામક પ્રવાસે આવેલા શ્રદ્ધાળુઓ પણ સામેલ છે. આ તમામ પ્રવાસીઓમાં ૨૬.૭૩ લાખ માત્ર કાશ્મીર ગયા હતા. સરકારી આંકડા મુજબ ત્રણ દશકમાં સૌથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. જોકે આ આંકડા કરતાં પણ વધુ પ્રવાસીઓ આ વખતે આવે તેવા સંકેત મળી રહ્યા છે. આ વર્ષે શરૂઆતના બે મહિના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૨.૫ લાખ પ્રવાસીઓ કાશ્મીર આવ્યા છે.
ગયા વર્ષે આ ગાળામાં ૧.૭ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. આ સમય દરરોજ સરેરાશ ૬૮ લાઇટોથી ૧૨૦૦૦ યાત્રી શ્રીનગર એરપોર્ટ પર આવી રહ્યા છે. કાશ્મીર પર્યટન વિભાગના નિર્દેશક ફજલુલ હસીબે કહ્યું છે કે આ વખતે ગયા વર્ષ કરતાં વધારે પ્રવાસી આવવાની શક્યતા છે.
કાશ્મીરની અર્થવ્યવસ્થામાં પ્રવાસન સેક્ટર સૌથી વધુ યોગદાન આપનાર પૈકી એક છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રમાંથી વર્ષે ૮૦૦૦ કરોડની આવક થાય છે. આ વર્ષે ૩૫ લાખ પર્યટકો કાશ્મીર આવે તેવી શક્યતા છે. આના કારણે હોટલ સહિત તમામ ક્ષેત્રોમાં કારોબાર વધે તેવી શક્યતા છે.
છેલ્લાં બે સપ્તાહમાં વિમાની ભાડામાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. વિમાની ટિકિટોની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થતા પ્રવાસ સાથે જોડાયેલા વેપારીઓ ચિંતાતુર છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જાવેદ ટેંગાએ વિમાની ભાડા પર અંકુશ મૂકવા માટે ગૃહ અને ઉડ્ડયન મંત્રાલયને અપીલ કરી છે. વિમાની ભાડાં ૧૭,૦૦૦ રૂપિયા દર્શાવે છે, જે સામાન્ય રીતે ૪૦૦૦થી ૫૦૦૦ રહે છે.
ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઓફ કાશ્મીર (ટાક)ના પ્રવક્તાએ લાઇટની સંખ્યા વધારવા અને વિમાની ભાડાં પર નજર રાખવાની માંગણી કરી છે. ગુજરાતથી મોટી સંખ્યામાં સહેલાણીઓ કાશ્મીર પહોંચે છે. ગુજરાતથી કાશ્મીરનું ભાડું ૧૮,૦૦૦ની આસપાસ છે. આટલું જ ભાડું મહારાષ્ટ્રથી શ્રીનગરનું છે. કેટલાક બીજા દેશોનાં વિમાની ભાડાં પણ કાશ્મીરથી સસ્તાં છે.