લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે. મીરા પટેલ વોર્ડ નંબર ૧૦ના કોર્પોરેટર છે. છેલ્લી ઘડી સુધી કોર્પોરેટરોની પદ મેળવવાની મથામણ બાદ મહિલા પાટીદાર નેતાની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરાઈ છે. મેયર સિવાય અન્ય હોદ્દેદારોની પણ પસંદગી કરાઈ છે.
આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોક્સભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત ૧૦ જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. આખરે આજે નવા મેયરની જાહેરાત કરવામા આવી છે.
છેલ્લી ઘડી સુધી કોર્પોરેટરો દ્વારા પદ મેળવવા માટે મથામણો કરવામાં આવી હતી સ્થાનિક સંગઠન દ્વારા પણ આખરે આ મામલો પ્રદેશ કક્ષા ઉપર છોડી દેવામાં આવ્યો હતો અને કોઈ ચોક્કસ પેનલના નામ આપવામાં આવ્યા ન હતા. પક્ષ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને વધાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મેયર બ્રહ્મ સમાજના કે પાટીદારમાંથી આવે તે લગભગ ચર્ચાઈ રહ્યુ હતું. છેલ્લી ઘડી સુધી કોર્પોરેટરોની પદ મેળવવાની મથામણ બાદ આખરે પક્ષ તરફથી મીરા પટેલના નામનુ મેન્ડેટ આવ્યું હતું.