
મુંબઇ, દક્ષિણ આફ્રિકાએ મંગળવારે રમાયેલી શ્રેણીની બીજી ટી-૨૦ મેચમાં ટીમ ઈન્ડિયાને ૫ વિકેટે હરાવ્યું છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટાર્ગેટ બદલવામાં આવ્યો હતો, જેનો ફાયદો સાઉથ આફ્રિકન ટીમને થયો અને અંતે તે જીતી ગઈ. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ૧૮૦ રન બનાવ્યા હતા, જવાબમાં દક્ષિણ આફ્રિકાને વરસાદના કારણે ૧૫ ઓવરમાં ૧૫૨ રનનો સંશોધિત ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્ય માત્ર ૧૪ ઓવરમાં હાંસલ કરી લીધું હતું. આફ્રિકા તરફથી સુકાની એઈડન માર્કરમે ૧૭ બોલમાં ૩૦ રન અને રિઝા હેન્ડ્રીક્સે ૨૯ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. બંનેની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે આફ્રિકાને જોરદાર શરૂઆત મળી હતી અને અંતે જીત નોંધાવવામાં સફળ રહી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર રહ્યા અને પોતાની ટીમને વિજય તરફ દોરી ગયા. આ સાથે દક્ષિણ આફ્રિકા ૩ મેચની આ શ્રેણીમાં ૧-૦થી આગળ થઈ ગયું છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૧૯.૩ ઓવરમાં ૭ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. ભારત માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૬ બોલમાં ૫૬ રન બનાવ્યા હતા, પરંતુ ટીમનો અસલી સ્ટાર હતો રિંકુ સિંહ જેણે ૩૯ બોલમાં ૬૮ રનની ઇનિંગ રમીને ધૂમ મચાવી દીધી હતી. રિંકુએ પોતાની ઇનિંગમાં ૯ ફોર અને ૨ સિક્સર ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની ઈનિંગ પૂરી થાય તે પહેલા જ વરસાદે ખલેલ સર્જી હતી. તમને જણાવી દઈએ કે આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.