ગાંધીનગર: ગુજરાત સરકાર બીજી ફેબ્રુઆરીએ 2024-25ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહી છે ત્યારે તેમાં આ વર્ષે 50 હજાર કરોડનો વધારો થવાની ધારણા છે. આગામી વર્ષના બજેટનું કદ 3.50 લાખ કરોડ થાય તેવા અણસાર નાણાં વિભાગમાંથી મળ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી રાજ્ય સરકાર બજેટમાં અનેકવિધ યોજનાઓ જાહેર કરશે. જેના કારણે બજેટના કદમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે રાજ્યના પોતાના કોઇ ટેક્સમાં વધારો થશે નહીં, બલ્કે વધતા જતા વીજ ઉત્પાદન અને માગણીને જોતાં વિજશુલ્કમાં આંશિક ઘટાડો થવાની સંભાવના નકારી શકાય તેમ નથી.
બીજીતરફ બમણી જંત્રીના દરો લાગુ થવાથી રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે તેથી સ્ટેમ્પડ્યુટીના દરોમાં થોડી રાહત મળે તેમ મનાઇ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવાના જુગારની અસર રાજ્યના આગામી વર્ષના બજેટ પર પડી શકે છે. આ વર્ષે સરકાર ડઝનબંધ નવી યોજનાઓ લાવવા માગે છે તેથી બજેટના કદમાં વધારો સંભવ છે.
ગુજરાતમાં સામાન્ય રીતે બજેટ સત્રનો પ્રારંભ 18 થી 24 ફેબ્રુઆરીએ થતો હોય છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી હોવાથી બજેટ સત્ર 1લી ફેબ્રુઆરીએ શરૂ થશે અને 29મી ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. નાણા વિભાગે સરકારના તમામ વિભાગોને બજેટ જોગવાઇઓ તેમજ નવી યોજનાઓ માટેની તૈયારી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે.
રાજ્ય સરકારે 2023-24ના વર્ષના બજેટનું કદ 3.01 લાખ કરોડ રાખ્યું હતું. જેમાં 50 હજાર કરોડનો સીધો વધારો દેખાઇ રહ્યો છે. 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી થઇ હતી ત્યારે રાજ્ય સરકારે પૂર્ણ બજેટ રજૂ કરવાની જગ્યાએ 1.91 લાખ કરોડનું લેખાનુદાન લીધું હતું. ત્યારબાદ જુલાઇમાં બાકીના આઠ મહિનાનું બજેટ રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2019માં લોકસભાની ચૂંટણીની જાહેરાત 10મી માર્ચે થઇ હતી અને એપ્રિલ તેમજ મે મહિના દરમ્યાન સાત તબક્કામાં ચૂંટણીઓ યોજવામાં આવી હતી.