બીજા વિશ્ર્વયુદ્ધમાં નાઝીઓની હિંસાનો ૮૦ વર્ષ પછી ચુકાદો, ૧.૩૦ કરોડ ડોલરના વળતરનો આદેશ

બીજા વિશ્ર્વયુદ્ધમાં હિટલરના નેતૃત્વમાં નાઝીઓએ કાળો કેર વરતાવ્યો હતો તેના એક ચુકાદામાં ભોગ બનેલાઓને ૧.૩૦ કરોડનું વળતર આપવાનો ઇટાલીની અદાલત આદેશ આપ્યો છે. ઓકટોબર ૧૯૪૩માં નાઝી સૈનિકોએ એક સૈન્ય કાર્યવાહી દરમિયાન ઇટાલીના ફોરનેલી શહેરમાં ૬ નાગરિકોની હત્યા કરી હતી. ઇટાલી નાગરિકો પર એક જર્મન સૈનિકની કથિત હત્યા કરવાના બદલામાં નાઝીઓએ આ કાર્યવાહી કરી હતી.

૮૦ વર્ષ પછી અદાલતી કાર્યવાહી ચાલી જેના અંતે પરિવારના લોકોને વળતર નકકી કરવામાં આવ્યું છે. મૃતકના પરિવારજનો પણ હયાત રહયા નથી. આ હત્યાકાંડમાં માર્યા ગયેલા એક વ્યક્તિ ડોમોનિકો લાંચેલૌટાના પ્રપૌત્ર મેટ્રાર્ચાએ જર્મન વેબસાઇટ ડોયચેવેલેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દર વર્ષે અમે આ હત્યાકાંડને યાદ કરીએ છીએ, એ ઘટના ભૂલી શકાય તેવી નથી. ડોમિનિકોના પરિવારમાં મૌરાને બાદ કરતા કોઇ જ જીવતા નથી.

જો કે આઠ દાયકા પહેલા બનેલી ઘટનાના ચુકાદા મુજબ નાઝી હિંસાના શિકાર લોકોને જર્મની નહી પરંતુ ઇટાલીની સરકાર વળતર આપશે. વળતર બાબતે ઇટાલી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ન્યાય માંગ્યો હતો પરંતુ છેવટે કેસમાં હાર થઇ હતી. વળતર બાબતે ઇટાલી ભલે કેસ હારી ગયું હોય પરંતુ ઇટાલીની યહૂદી સંસ્થાઓનું માનવું છે કે જર્મનીએ ઐતિહાસિક જવાબદારી લઇને વળતર આપવાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઇએ.

જો કે આ પ્રકારના જો ચુકાદા આવતા રહેશે તો ઇટાલીએ વળતર આપવું પડે તેવા અનેક કેસ હજુ પેન્ડિંગ પડયા છે. જર્મનીની સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં એક સંશોધન અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં ૨૨૦૦૦ ઇટાલી નાગરિકો નાઝી હિંસાનો ભોગ બન્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં ૮૦૦૦થી વધુ યહૂદીઓનો સમાવેશ થાય છે જેમને કોન્સટ્રેશન કેંપ મોકલવામાં આવ્યા હતા.આ ઉપરાંત ઇટાલીના હજારો નાગરિકો જર્મનીમાં મજૂરી કરવા બળજબરીથી લાવવામાં આવ્યા હતા. આમ જોવા જઇએ તો આ લોકો પણ પીડિત હોવાથી વળતરના હકકદાર ગણાય. આમ ૮૦ વર્ષ જુના ચુકાદાએ અનેક સવાલો પણ ઉભા કર્યા છે.