મોસ્કો, રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે સતત બદલાતી વૈશ્ર્વિક પરિસ્થિતિઓની અસર હવે એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પણ દેખાઈ રહી છે. ખાસ કરીને ભારતના કેટલાક દેશો સાથેના સંબંધોમાં ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. જ્યાં એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અમેરિકાની તેમની પ્રથમ રાજ્ય મુલાકાતે જશે, તો બીજી તરફ રશિયાએ પહેલીવાર પાકિસ્તાનમાં ક્રૂડ ઓઈલનું કન્સાઈનમેન્ટ મોકલીને પોતાના સંબંધોમાં નવો અધ્યાય લખ્યો છે. એટલું જ નહીં, અત્યાર સુધી ભારત સાથેના સંબંધોમાં મિસાલ બેસાડનાર રશિયાએ હવે પાકિસ્તાન સાથે સંબંધો વધારવામાં રસ દાખવ્યો છે, જે ભારત માટે કોઈ મોટા ઝટકાથી ઓછો નથી.
ઉલ્લેખનીય છે કે, રશિયાથી સસ્તા ક્રૂડ ઓઈલનો પહેલો કન્સાઈનમેન્ટ સોમવારે જ કરાચી બંદરે પહોંચ્યો હતો. આને ભારત માટે એક મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે અને મોસ્કો અને ઈસ્લામાબાદ વ્યાપારી રીતે બહુ નજીક નથી રહ્યા. જોકે, ચીનના ઈશારે હવે રશિયાએ પાકિસ્તાનને પણ ક્રૂડ ઓઈલનું કન્સાઈનમેન્ટ મોકલ્યું છે, જે ભારતના હિત માટે પડકાર છે.
દરમિયાન મંગળવારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના નિવેદને મોસ્કો-દિલ્હી સંબંધોને લઈને ભારતની ચિંતા વધારી દીધી છે. લવરોવે કહ્યું કે રશિયા પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો વધારવાનો આગ્રહ ચાલુ રાખશે. લવરોવનું આ નિવેદન પાકિસ્તાન અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયાએ હંમેશા પાકિસ્તાનને આતંકવાદ અને સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ભાગીદાર તરીકે જોયું છે.
લવરોવે ઉમેર્યું, અમે જાણીએ છીએ કે પાકિસ્તાનીઓને રશિયા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ખૂબ જ રસ અને સન્માન છે. તેમણે કહ્યું કે છેલ્લી સદીના ત્રણ ચતુર્થાંશમાં આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. રશિયા હંમેશાથી પાકિસ્તાન સાથે સંબંધો વધારવા ઈચ્છે છે અને અમે ક્યારેય પણ અમારી પ્રતિબદ્ધતાઓથી પાછળ હટ્યા નથી.