તિરુવનંતપુરમ્,
નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી NIA એ તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે રીઢા આતંકવાદીને ઝડપી લીધા હતા. આ બંને રિયાધ પોલીસના પણ વોન્ટેડ લિસ્ટમાં હતા. રિયાધે આ બંને માટે લૂકઆઉટ નોટિસ બહાર પાડી હતી.
અગાઉથી મળેલી બાતમીના આધારે NIAએ તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નજર રાખી હતી. બેમાંનો એક સુહૈબ કન્નૂરના પપ્પીનસીનરી વિસ્તારનો રહેવાસી છે. બેંગલોર બોમ્બ વિસ્ફોટના કેસમાં એની તલાશ હતી. બીજો આરોપી મુહમ્મદ ગુલનવાઝ મૂળ ઉત્તર પ્રદૃેશનો રહેવાસી છે. દિલ્હી હવાલા કાંડમાં પોલીસને એની તલાશ હતી. આ બંનેને પહેલાં કોચી લઇ જવાશે. ત્યારબાદ સુહૈબને બેંગલોર લઇ જવાશે જ્યારે ગુલનવાઝને દિલ્હી લઇ જવાશે. આ બંનેમાંનો એક લશ્કર-એ-તૈયબનો અને બીજો ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકવાદી છે. હાલ બંનેની આકરી પૂછપરછ કરાઇ રહી હતી.
NIA એ આથી વધુ કોઇ માહિતી હાલ મિડિયાને આપવાનો ઇનકાર કર્યો હતો.