અઢી મહિનાના બાળક સાથે ધારાસભ્ય વિધાનસભા પહોંચ્યાં

મુંબઇ,

મહારાષ્ટ્રના નાસિકનાં એનસીપી ધારાસભ્ય સરોજ આહીરે પોતાના અઢી મહિનાના બાળક સાથે વિધાનસભાના શિયાળુ સત્રમાં પહોંચ્યાં હતાં. સરોજના બાળકનો જન્મ ૩૦ સપ્ટેમ્બરે થયો છે. તેમનું કહેવું છે કે છેલ્લાં અઢી વર્ષથી નાગપુરમાં કોરોનાને કારણે વિધાનસભા સત્ર યોજાું નહોતું. હું અત્યારે એક માતા છું, પરંતુ હું મારા મતદારો માટે જવાબ લેવા માટે આવી છું.મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ૧૯ ડિસેમ્બરે નાગપુરમાં શરૂ થયું હતું. આ દરમિયાન દેવલાલીનાં ધારાસભ્ય સરોજનું અઢી મહિનાનું બાળક સેન્ટર ઓફ અટ્રેક્શન બન્યું હતું.

૨૦૧૮માં દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય સરિતા સિંહ તેમના બાળક અદ્વૈત સાથે આવતાં હતાં. જ્યારે તેઓ ગૃહમાં ભાષણ આપતાં ત્યારે તેમના પુત્રને બીજા ધારાસભ્ય સંભાળતા હતા. રોહતાસ નગરથી ધારાસભ્ય સરિતાનું કહેવું છે કે જો અને જનતાના સેવક છે, તો અમારી પાસે મેટરનિટી લીવ લેવાનો અધિકાર નથી.

આ પહેલાં ૨૦૧૩માં સીપીઆઇની ધારાસભ્ય ચંદ્રકલાએ પણ આવું જ ઉદાહરણ રજૂ કર્યું હતું. ૧૮ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ હૈદરાબાદમાં યોજાયેલા વિધાનસભા સત્ર દરમિયાન તેઓ પોતાની નવજાત પુત્રી સાથે પહોંચ્યાં હતાં.