બે તૃતીયાંશ વસતિને વિકાસમાં ભાગીદાર બનાવ્યા વગર સમૃદ્ધિ અશક્ય: રાહુલ

 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો જાતિ આધારિત વસતિ ગણતરી હાથ ધરશે અને આ “દેશનો એક્સ-રે” સાબિત થશે. આ ગણતરી સંપત્તિના સંસાધનોને મેપ કરવામાં મદદ કરશે કે તેના પર કોની માલિકી છે. દેશની બે-તૃતીયાંશ વસતિને વિકાસનો ભાગીદાર બનાવ્યા વગર ભારતની સમૃદ્ધિ અશક્ય છે.

પોતાના જૂના લોકસભા વિસ્તાર અમેઠીમાં ભારત જોડો ન્યાય યાત્રાને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે દેશના બજેટના દર 100 રૂપિયામાં વસ્તીના બે તૃતીયાંશ વર્ગનો હિસ્સો માત્ર 6 રૂપિયા છે. આ વર્ગ સાથે થઈ રહેલો ઘોર અન્યાય દેશને અંદરથી નબળો બનાવી રહ્યો છે. 

આ અગાઉ રામપુર ખાસ વિધાનસભા મતવિસ્તારમાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં દલિતો, પછાતો એટલું જ નહિ રાષ્ટ્રપતિને આમંત્રણ નહિ આપીને તેમનું અપમાન કરાયું હતું. ‘રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉદ્યોગપતિઓ અને અમિતાભ બચ્ચનને આમંત્રણ આપીને નરેન્દ્ર મોદીએ એવો સંદેશ આપ્યો હતો કે દેશના 73 ટકા લોકોનું કોઇ મહત્વ નથી’ તેમ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન જણાવ્યું હતું.

દેશના દલિતો, પછાતો અને આદિવાસીઓની 73 ટકા વસતિને અવગણવાનો ભાજપ સરકાર પર આક્ષેપ મુકતાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે તેમની અવગણના કરવામાં આવી રહી છે અને મૂડીવાદીઓને અગ્રિમતા અપાય છે. નરેન્દ્ર મોદી ખેડૂતોના ખિસ્સા કાપીને ધનિકોના ખિસ્સા ભરી રહ્યા છે. ધર્મના નામે દેશમાં નફરત ફેલાવવાનું કામ થઇ રહ્યું છે. સરકાર યુવાઓને રોજગારી પૂરી પાડી શકતી નથી અને મહિલાઓને સલામતી આપી શકતી નથી. ઇડી અને સીબીઆઇ જેવી મોદીની સંસ્થાઓ કઠપૂતળી બની ગઇ છે. કોંગ્રેસ નેતાની યાત્રા હાલમાં યુપીમાં છે. જોકે તેઓ પશ્ચિમી યુપી જવાના નથી. આ યાત્રા દરમિયાન રાજ્યના કોંગ્રેસ નેતાઓ તેમની સાથે હાજર રહ્યા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારી, ધારાસબ્ય આરાધના મિશ્રા મોના અને કોંગ્રેસના લઘુમતિ વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ ઇમરાન પ્રતાપગઢીનો સમાવેશ થતો હતો.