૧૯૮૩નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે,કુસ્તીબાજો સાથે જે થયું તે દુ:ખદ

  • કુસ્તીબાજોના સમર્થનમાં કુરુક્ષેત્રમાં યોજાયેલી ખાપ પંચાયતમાં બબાલ, નેતાઓ વચ્ચે અંદરો અંદર ટક્કર

નવીદિલ્હી, બ્રિજ ભૂષણ પર લાગેલા યૌન શોષણના આરોપો બાદ કુસ્તીબાજો તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. ૨૮ મેના રોજ, જ્યારે કુસ્તીબાજો નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે તેમને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જો કે બાદમાં કુસ્તીબાજોને પણ છોડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દિલ્હીના જંતર-મંતર પર ધરણા પ્રદર્શનને પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને તેમના તંબુ હટાવી દેવામાં આવ્યા હતા.

આ પછી, ૩૦ મેના રોજ, કુસ્તીબાજો હરિદ્વાર પહોંચ્યા અને ઓલિમ્પિક સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જીતેલા મેડલને ગંગામાં ફેંકવાનો નિર્ણય કર્યો. જો કે, ખેડૂત નેતા નરેશ ટિકૈતની માંગ પર, કુસ્તીબાજોએ તેમના મેડલ ગંગામાં વહેવડાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.

હવે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જાહેર કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી છે.

નિવેદનમાં આ ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ કહ્યું છે કે, કુસ્તીબાજો સાથે જે થયું તે દુ:ખદ છે, પરંતુ તેઓએ પોતાના મહેનતથી કમાયેલા મેડલને ગંગામાં પધરાવવા જોઈએ નહીં. ૧૯૮૩ની ચેમ્પિયન ટીમે કહ્યું કે, કુસ્તીબાજોએ દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કુસ્તીબાજોની માંગ સાંભળવામાં આવશે.

નિવેદનમાં, ૧૯૮૩ની ચેમ્પિયન ટીમે લખ્યું – અમે અમારા ચેમ્પિયન કુસ્તીબાજો સાથેના ખરાબ વર્તનથી વ્યથિત અને પરેશાન છીએ. અમે એ હકીક્ત વિશે પણ સૌથી વધુ ચિંતિત છીએ કે તેઓ તેમની મહેનતની કમાણી ગંગા નદીમાં ઠાલવવાનું વિચારી રહ્યા છે. તે ચંદ્રકોમાં વર્ષોના પ્રયત્નો, બલિદાન, નિશ્ર્ચય અને સંયમનો સમાવેશ થાય છે અને તે ચંદ્રકો માત્ર તેમના પોતાના જ નહીં પરંતુ રાષ્ટ્રનું ગૌરવ અને આનંદ છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ આ બાબતે કોઈ ઉતાવળે નિર્ણય ન લે અને તેમની ફરિયાદો વહેલી તકે સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ કરવામાં આવશે તેવી આશા પણ રાખીએ છીએ.

કપ્તાન કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ક્લાઈવ લોયડના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, કે શ્રીકાંત, સૈયદ કિરમાણી, યશપાલ શર્મા, મદન લાલ, બલવિંદર સિંહ સંધુ, સંદીપ પાટીલ, કીત આઝાદ અને રોજર બિન્નીએ ૨૫ જૂન, ૧૯૮૩ના રોજ લોર્ડ્સમાં રમાયેલી યાદગાર ફાઇનલમાં ભાગ લીધો હતો અને ટીમ જીતી.

દરમિયાન ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત પ્રદર્શનો કરી રહ્યા છે. કુસ્તબાજોનો સમર્થનમાં ખાપ પંચાયતો પણ મેદાનમાં ઉતરી આવી છે અને કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠકનું આયોજન કરાયું છે, જોકે આ દરમિયાન કોઈ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત ચૌધરી અંદરો અંદર ઝઘડી પડ્યા છે અને જોત જોતામાં હંગામો શરૂ થઈ ગયો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

જોકે આજે યોજાયેલી પંચાયતમાં ચૌધરી અંદરો અંદર કયા કારણે ઝઘડી પડ્યા તે વાતની પુષ્ટી થઈ શકી નથી. અગાઉ કુસ્તીબાજોના સમર્થનમાં ગુરુવારે ઉત્તર પ્રદેશના મુઝફરનગરમાં ખાપ પંચાયત યોજાઈ હતી.

કુસ્તીબાજો જાતીય સતામણીના આરોપો હેઠળ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. આજે યોજાયેલી ખાપ પંચાયતોમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખાપ ચૌધરી તેમજ સંયુક્ત ક્સિાન મોર્ચાના સભ્યો પણ સામેલ થયા છે. સર્વ જાતીય સર્વ ખાપ પંચાયતમાં પહોંચેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, આ તોપ તલવારોની નહીં, પરંતુ પ્રજા વચ્ચેની વૈચારિક લડાઈ છે. આમાં આપણી જીત થશે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કુસ્તીબાજોનો મામલો પહોંચી ગયો છે, કારણ કે કાર્યવાહી ન કરાતા દેશની છબી ખરાબ થઈ રહી છે.