ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં વિદાય લેતા સૈન્ય વડા જનરલ કમર જાવેદ બાજવાએ ૧૯૭૧ના ભારત સાથેના યુદ્ધ માં પાકિસ્તાનના કારમા પરાજય માટે રાજકીય નેતૃત્વ પર જવાબદારી નાખી છે. અને જણાવ્યું કે દેશના રાજકીય નેતૃત્વએ ભારત સાથે જ્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ કે યુદ્ધ હોય તે સમયે સંભાળીને આગળ વધવું જોઇએ. લગભગ છ વર્ષ સુધી પાકિસ્તાન સૈન્યના વડા રહી ચૂકેલા જનરલ બાજવા હવે નિવૃત થઇ રહ્યા છે અને તેઓએ ૧૯૭૧ના જંગમાં અનેક ખોટા અહેવાલો જાહેર કરાયા હતા તેવું પણ જણાવ્યું હતું.
પ્રથમ તેઓએ કહ્યું કે, પાકિસ્તાનના સૈનિકો કે જેઓએ બાંગ્લાદેશમાં ભારતીય સૈન્યના શરણે ગયા હતા તેની સંખ્યા ૯૩ હજાર નહીં પરંતુ ૩૪ હજાર હતી. આ લોકોએ અઢી લાખ ભારતીય સૈનિકો અને બે લાખથી વધુ મુક્તિ વાહીનીની સેનાના જવાનોનો મુકાબલો કર્યો હતો. તેમણે કહ્યું કે બહુ દુ:ખની વાત એ છે કે આ યુદ્ધ લડનાર સૈનિકોને હજુ સુધી કોઇ સન્માન મળ્યું નથી.
તેઓએ દેશના રાજકીય નેતૃત્વ પર સીધો હુમલો કરતા કહયું કે ૧૯૭૧ના યુદ્ધ ની હાર સૈન્યની નહીં પણ રાજકીય નેતૃત્વની હતી. બાજવાએ ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાની સૈનિકોના શૌર્યની સરાહના ભારતના તત્કાલીન લશ્કરી વડા ફિલ્ડ માર્શલ શામ માણેકશાએ પણ કરી હતી. તેઓએ દેશના રાજકીય નેતૃત્વને પોતાની મર્યાદામાં જ રહેવાની સલાહ આપી હતી.
ખાસ કરીને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સાથેના તેમના તનાવભર્યા સંબંધોના સંદર્ભમાં તેઓએ આમ કહ્યું હોય તેમ માનવામાં આવે છે. જે લોકો સતત સેના પર હુમલા કરે છે કે ટીકા કરે છે તેઓ સેના વિરોધી એક વાતાવરણ બનાવી જીતવા માગે છે. બહેતર એ છે કે પાકિસ્તાની સેના સામે કોઇ ખોટા શબ્દોનો ઉપયોગ થવો જોઇએ નહીં. સેના ટીકા માટે નથી પણ કોઇપણ નિર્ણયમાં રાજકીય નેતૃત્વ વધુ સામેલ હોય છે.
આ વાત મેં ગત ૭ ફેબ્રુઆરીના પણ કહી હતી. (જ્યારે ઇમરાન ખાનનું રાજીનામુ લેવાયું હતું). તેમણે કહ્યું કે સેનાનું ટીકા કરવાનું રાજકીય દળો અને જનતાને અધિકાર છે પરંતુ તેમાં ભાષણોનો ઉપયોગ સંયમપૂર્ણ થવો જોઇએ. દેશમાં રાજકીય સ્થિરતા જરુરી છે અને તેથી જ મારા સમયગાળામાં સેનાએ કદી રાજકીય બાબતોમાં દખલ કરી નથી.