ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગામગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જોકે, ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ભુજથી 25 કિલોમીટર દૂર પૂર્વ દિશાએ આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામે આજે યુવતીના બોરવેલમાં પડી જવાની ઘટનાના પગલે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટી તંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી જવા પામ્યો છે. સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાથી સ્થાનિકે યુવતીના પરિવારો દુઃખી અવસ્થામાં લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનને પ્રાર્થના કરતો નજરે ચડી રહ્યો છે. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઇ રહ્યા છે. ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ના પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. મુખત્વે ખેતી અને પશુ પાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ધબકી ઉઠ્યું છે.
આ અંગે ભુજ તાલુકા મામલતદાર એ.એન. શર્માએ દિવ્ય ભાસ્કરને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સોમવાર સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની ઈન્દીરાબેન મીણા નામની 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સવારના પોણા નવે તંત્રમાં જાણ કરતાં હાલ વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને યુવતીના બચાવ કાર્ય માટે ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ કામે લાગી છે.
મામલતદારે વધુમાં જણાવ્યું કે, યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરિજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યાં બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીના બચાવ માટે NDRFની ટીમને બોલાવવામાં આવી છે. આ ઉપરાંત એક ટીમ ગાંધીનગરથી કચ્છ આવવા રવાના થઈ છે.
ભુજ નાયબ કલેકટર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બોરવેલની પહોળાઈ 12 ઇંચ ડાયા મીટર એટલે કે એક ફૂટ જેટલી છે. હાલ ખાસ પ્રકારની વેલ્ડીંગ ફ્રેમ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના મારફતે અંદર પડેલી યુવતી અંગેની ચોક્કસ માહિતી મળી શકે.