૧૮ વર્ષે કચ્છના પૂર્વ ડેપ્યુટી કલેક્ટરના કૌભાંડની પોલ ખુલી

ગુજરાતમાં સરકારી તંત્ર રામ ભરોસે ચાલે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. ૧૮ વર્ષ પહેલાંના કૌભાંડમાં કચ્છના પૂર્વ ડેપ્યુટી જે.ડી.જોશીની ધરપકડ કરાઈ છે. તેમની સામે ચાર લોકોને ગેરકાયદે રીતે ફાયદો કરાવીને સરકારની તિજોરીને રૂપિયા ૯૭.૬૮ લાખ રૂપિયાનું નુક્સાન પહોંચાડવાનો આરોપ છે. જોકે, મહેસૂલ વિભાગને જે.ડી.જોશીના કૌભાંડની જાણ થવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો એ મોટો સવાલ છે.

પૂર્વ ડેપ્યુટી જે.ડી.જોશીએ ૨૦૦૭-૦૮માં આચરેલા કૌભાંડની તપાસમાં મહેસૂલ વિભાગે વર્ષો કાઢી નાખ્યાં. આ દરમિયાન તે નિવૃત્ત પણ થઈ ગયા હતા. તેમને નિવૃત્તિના તમામ લાભ પણ આપી દેવાયા હતા. હવે જે.ડી. જોશીએ પોતાની સત્તાથી ઉપરવટ જઈને જમીનોને લગતા હુકમ કરી સરકારને રૂપિયા ૭૯.૬૮ લાખનું નુક્સાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તેમની બહુચરાજીથી ધરપકડ કરી છે.

ભુજ ગ્રામ્યના મામલતદાર ભરત શાહે એ ડિવિઝન નોંધાવેલી પોલીસ ફરિયાદમાં દાવો કર્યો છે કે, તત્કાલીન પ્રાંત અધિકારી જે.ડી.જોશીએ રાજ્ય સેવક હોવા છતાં સરકાર સાથે વિશ્ર્વાસઘાત કર્યાનું બહાર આવતાં ફરિયાદ નોંધાવીને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. જે.ડી. જોશી સામે ભુજ તાલુકાના માધાપર ગામના રામજી શામજી પીંડોરીયાને સરકારી જમીન વિનામૂલ્યે આપી સરકારને ૩,૫૪,૪૦૦ રૂપિયાનું આથક નુકશાન પહોંચાડવાનો આરોપ છે. આ ઉપરાંત એશિયા મોટર વર્કસ લિમિટેડ બિનખેડૂત હોવા છતાં જાન્યુઆરી ૨૦૦૬માં કરવામાં આવેલી અરજીના આધારે અરજદારની ખેતીની જમીનનું દબાણ નિયમબદ્ધ કરવા માટે નજીવી રકમ લીધી હતી.

આ રીતે અરજદારને આથક ફાયદો પહોંચાડવા માટે સરકારને ૩૯,૨૬,૬૦૦ રૂપિયાનું આથક નુક્સાન થયું હતું. અન્ય એક કેસમાં દિલીપકુમાર પાસેથી સરકારને દબાણ નિયમિત કરવાના અઢી ગણાં દંડની રકમ ૧૫,૭૮,૨૨૫ રૂપિયાના વસૂલી સરકારને આથક નુક્સાન પહોંચ્યુ હતું. ચોથી ફરિયાદમાં સૃજન ટ્રસ્ટ વતી મેનેજિંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફને ફાયદો કરાવવાનો આરોપ છે.