179થી વધુ સરવે નંબર મુદ્દે ફરિયાદ કરવા અધિકારી નિમાશે : દાહોદના નકલી NA પર સાત વિભાગોને નોટિસ, FIR થશે

દાહોદ શહેર સાથે આસપાસનાં 24 ગામોમાં બોગસ એનએ હુકમના આધારે 179થી વધુ સરવે નંબરોને બિનખેતી કરવાના મામલામાં હવે વહીવટીતંત્રે આકરું વલણ અપનાવ્યું છે. ગાંધીનગરથી આવેલી આઇઆરસીની વિજિલન્સ ટીમ સરવે નંબરોમાં જઇને તપાસ સાથે વિવિધ કચેરીના રેકર્ડ તપાસી રહી છે. ત્યારે આ મામલે દાહોદ કલેક્ટરે શંકાના ઘેરામાં આવેલા 179થી વધુ સરવે નંબરોમાં નકલી એનએ હુકમ બનાવવામાં ભૂમિકા ભજવનારા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વિવિધ 7 કચેરીઓના વડાને આદેશ કરતાં ખળભળાટ મચ્યો છે. દાહોદ શહેરમાં નકલી એનએ હુકમથી જમીન બિનખેતી કરવાનું કૌભાંડ જૂન માસમાં પ્રકાશમાં આવતાં આ મામલે બે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બંને પ્રકરણમાં જિલ્લા પંચાયતના નાયબ ચિટનીશ સાથે નકલી એનએ હુકમ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર માસ્ટર માઇન્ડ સાથે બે જમીનમાલિકો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

આ સાથે અન્ય બે લોકો ફરાર છે. કૌભાંડ બાદ આખા દાહોદ જિલ્લાના પ્રાંત અધિકારીઓને 2015 બાદ એનએ થયેલી જમીન મામલે તપાસ કરવાના કલેક્ટરે આદેશ કર્યા હતા. ત્યારે 50 કર્મચારીઓની ટીમે 9,500 પ્રોપર્ટી કાર્ડમાંથી 934 સરવે નંબરોની તપાસ કરતાં તેમાં પ્રારંભે 175 નંબર બોગસ મળ્યા હતા. ત્યાર બાદ પણ તપાસ ચાલુ રાખતાં હવે આ આંકડો 179ને પણ વટાવી જાય તેમ છે. આ કૌભાંડથી બોનોફાઇડ પર્ચેસરોમાં ભયમાં મુકાયા હતા પરંતુ તેમને કોઇ નુકસાન નહીં થવાની તંત્રએ ખાતરી આપી હતી. ત્યારે હવે કલેક્ટર યોગેશ નિરગુડેએ આ તમામ સંદિગ્ધ સરવે નંબરોમાં નકલી એનએ હુકમ બનાવવા માટે જવાબદાર હોય તેની સામે પોલીસ ફરિયાદ કરવા માટે વિવિધ કચેરીઓને આદેશ કર્યો છે. આ પ્રકરણમાં જે કચેરીના નામનો ઉપયોગ કરીને ખોટું કરાયું હશે તે કચેરીના અધિકારીને ફરિયાદ કરવા માટે નિયુક્ત કરવાનું પણ કલેક્ટર તરફથી જણાવવામાં આવ્યું છે. કલેક્ટરે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે ખોટા હુકમાને સાચા દર્શાવી નોંધો દાખલ કરી, પ્રોપર્ટીકાર્ડ બનાવ્યાં કલેક્ટરે પોલીસ ફરિયાદ કરવાના આદેશ આપતાં પત્રમાં લખ્યું હતું કે, ‘દાહોદ મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્ર તથા તાલુકા પંચાયત કચેરી, સિટી સરવે કચેરી ખાતે વિવિધ કચેરીના બિનખેતી,હેતુફેર તથા અન્ય હુકમોની ફેરફાર નોંધોની ચકાસણી કરતાં જિલ્લા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી, દાહોદની કચેરીના હુકમો પ્રાંત અધિકારી દાહોદની કચેરીના તથા કલેક્ટર કચેરીના સંધિગ્ધ હુકમો જણાઇ આવ્યા છે.

હુકમો સબંધિત કચેરીઓના નામનો ખોટો હુકમ બનાવી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને સિટી સરવે કચેરીને અમલ કરવા તથા તેનો સાચા તરીકે ઉપયોગ કરીને નોંધો દાખલ કરી, પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનું જણાઇ આવ્યું છે. ગુનો બનતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જેથી જે કચેરીના નામનો ઉપયોગ કરીને રજૂ કરાયેલા તમામ સંદિગ્ધ હુકમો બાબતે ગુનો દાખલ કરવા અંગે સબંધિત કચેરીના અધિકારીને અધિકૃત કરવા, પોલીસ અધિક્ષક દાહોદના પરામર્શનમાં રહીને ગુનો દાખલ કરવા અને આ અંગેની આગળની નિયમોનુસારની કાર્યવાહી કરીને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. કલેક્ટર કચેરીના હુકમો મામલે ફરિયાદ દાખલ કરવા ચિટનીશ ટુ કલેક્ટરને અધિકૃત કરવામાં આવ્યા છે.

જવાબદાર હશે તેની સામે જ કાર્યવાહી કરાશે સંદિગ્ધ સરવે નંબરો મામલે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપ્યો છે. નકલી હુકમો મામલે જે જવાબદાર હશે તેમની સામે જ કાર્યવાહી કરવામાં આવશે. > યોગેશ નિરગુડે, કલેક્ટર,દાહોદ

કયા-કયા વિભાગોમાં જાણ કરાઈ કલેક્ટરે શંકાસ્પદ સરવે નંબરો મુદ્દે પોલીસ ફરિયાદના આદેશનો પત્ર ગૃહના અધિક સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, જમીન સુધારણા કમિશનર, મહેસૂલ તપાસણી કમિશનરની કચેરીમાં વિજિલન્સના અધિક કલેક્ટર સહિતના વિભાગોમાં જાણ કરી હતી.

બોનોફાઇડ પર્ચેસરોની મદદ માટે સંગઠન રચાયું

કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ રિયલ એસ્ટેટ માર્કેટ ઠંડુંગાર થવા સાથે નાણાકીય વ્યવહારો પણ અટકી ગયા હતા. આવી જમીનો ઉપર પ્લોટ ખરીદીને મકાન કે દુકાન બનાવનાર લોકો સાથે સ્કીમો મૂકનાર બોનોફાઇડ પર્ચેસરોમાં ભય ફેલાઇ ગયો હતો. જોકે,બોનોફાઇડ પર્ચેસરોને ઉની આંચ નહીં આવે તેવી તંત્રએ બાંહેધરી આપી છે. બોનોફાઇડ પર્ચેસરોની મદદ માટે દાહોદમાં એક સંગઠનની પણ રચના કરવામાં આવી છે.