૧૭૦૦ કરોડ રૂપિયાની વસૂલાતના મામલે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

  • કોંગ્રેસ પાર્ટીએ આવકવેરા વિભાગની નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

નવીદિલ્હી, આવકવેરા વિભાગે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આવકવેરાના મામલામાં લોક્સભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે લોક્સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૭૦૦ કરોડની વસૂલાતના મામલે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગે આ કેસની સુનાવણી જૂન સુધી મુલતવી રાખવાની માંગ કરી હતી. મહેતાએ કહ્યું, ’અમે ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષ માટે મુશ્કેલી ઊભી કરવા માંગતા નથી.’

કોંગ્રેસ પાર્ટીએ આવકવેરા વિભાગની નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન આવકવેરા વિભાગ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચ સમક્ષ પોતાનું નિવેદન નોંયું હતું. મહેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે અને ચૂંટણી ચાલી રહી હોવાથી અમે કોંગ્રેસ પક્ષ સામે કોઈ કાર્યવાહી કરીશું નહીં. કોંગ્રેસ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને આવકવેરા વિભાગના આ પગલાને આવકાર્યું.

આવકવેરા વિભાગે રવિવારે કોંગ્રેસ પાર્ટીને નવી નોટિસ મોકલીને રૂ. ૧૭૪૫ કરોડના ટેક્સની ચુકવણીની માંગણી કરી હતી. આની સાથે આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને કુલ ૩૫૬૭ કરોડ રૂપિયાની રિકવરી નોટિસ મોકલી છે. નવીનતમ નોટિસ ૨૦૧૪-૧૫ (આશરે રૂ. ૬૬૩ કરોડ) અને ૨૦૧૫-૧૬ (આશરે રૂ. ૬૬૪ કરોડ), ૨૦૧૬-૧૭ (આશરે રૂ. ૪૧૭ કરોડ) સંબંધિત છે. કોંગ્રેસનો આરોપ છે કે સત્તાધીશોએ રાજકીય પક્ષોને આપવામાં આવતી કરમુક્તિને સમાપ્ત કરી દીધી છે અને પાર્ટી પર ટેક્સ લાદ્યો છે. કોંગ્રેસના નેતાઓ પાસેથી જપ્ત કરાયેલી ડાયરીઓમાં ત્રીજા પક્ષકારો દ્વારા કરાયેલી એન્ટ્રી પર પણ કોંગ્રેસે ટેક્સ લગાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ટેક્સ સત્તાવાળાઓએ અગાઉના વર્ષોની ટેક્સ માંગણીઓ માટે પાર્ટીના ખાતામાંથી ૧૩૫ કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ અંગે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.