૧૭ વર્ષના ડી ગુકેશે રચ્યો ઈતિહાસપ ચેસમાં ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

નવીદિલ્હી, ભારતના ૧૭ વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ માટે સૌથી યુવા ચેલેન્જર બન્યો હતો. તેને ગેરી કાસ્પારોવનો ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

ગુકેશે ૧૪મા અને છેલ્લા રાઉન્ડમાં અમેરિકાના હિકારુ નાકામુરા સાથે ડ્રો રમ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેના ૧૪ માંથી ૯ પોઈન્ટ હતા જેથી તે વર્લ્ડ ચેમ્પિયનનો ચેલેન્જર નક્કી કરી શકે.તે વર્ષના અંતમાં વર્તમાન વિશ્ર્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને પડકાર આપશે. ચેન્નાઈના રહેવાસી ગુકેશે કાસ્પારોવનો રેકોર્ડ પણ તોડ્યો હતો. કાસ્પારોવ ૧૯૮૪માં ૨૨ વર્ષનો હતો, જ્યારે તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ માટે રશિયાના એનાટોલી કાર્પોવને પડકાર આપ્યો હતો.

ગુકેશનો જન્મ ૨૯ મે ૨૦૦૬ના રોજ ચેન્નાઈમાં થયો હતો. અંડર-૯ સ્તરે એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ તે ૨૦૧૫માં ચર્ચામાં આવ્યો હતો. ગુકેશે વર્ષ ૨૦૧૮માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં કુલ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુકેશ જાન્યુઆરી ૨૦૧૯માં ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. ત્યારે તેની ઉંમર ૧૨ વર્ષ ૭ મહિના અને ૧૭ દિવસની હતી.ગુકેશ ડી ચેસ ઈતિહાસમાં બીજા સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર છે. એમ્ચેસ રેપિડ ટુર્નામેન્ટમાં મેગ્નસ કાર્લસનને હરાવનાર તે સૌથી યુવા ખેલાડી છે. ગુકેશ ચેસ વર્લ્ડ કપ ૨૦૨૩ની ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચ્યો હતો.

ગુકેશે વિજય બાદ કહ્યું, ‘હું ખૂબ જ રાહત અનુભવી રહ્યો છું. હું ફેબિયાનો કારુઆના અને ઈયાન નેપામ્નિઆચી વચ્ચેની મેચ જોઈ રહ્યો હતો. આ પછી હું ચાલવા ગયો જેણે મદદ કરી.ગુકેશને ઈનામ તરીકે ૮૮૫૦૦ યુરો (રૂ. ૭૮.૫ લાખ) પણ મળ્યા હતા. આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ પાંચ લાખ યુરો છે.આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતનાર વિશ્ર્વનાથન આનંદ પછી તે બીજો ભારતીય બન્યો. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદે ૨૦૧૪માં ટાઈટલ જીત્યું હતું.

આનંદે એકસ પર લખ્યું, ‘ડી ગુકેશને સૌથી યુવા ચેલેન્જર બનવા બદલ અભિનંદન. તમારી સિદ્ધિ પર ગર્વ છે. મને વ્યક્તિગત રીતે તમારા પર ખૂબ ગર્વ છે, તમે જે રીતે મુશ્કેલ સંજોગોમાં રમ્યા છો. આ ક્ષણનો આનંદ માણો.ગુકેશને જીતવા માટે માત્ર ડ્રોની જરૂર હતી અને તે નાકામુરા સામે ખચકાયો નહીં. બીજી તરફ, કારુઆના અને નેપામનિયાચી વચ્ચેની મેચ પણ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જો તેમાંથી કોઈ એક જીતી ગયો હોત તો ટાઈબ્રેક થઈ શક્યો હોત.કારુઆના, નેપામ્નીયાચી અને નાકામુરાએ ૮.૫ પોઈન્ટ બનાવ્યા અને સંયુક્ત બીજા સ્થાને રહ્યા. ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધાએ અઝરબૈજાનના નિઝાત અબ્બાસોવને હરાવીને સાત પોઈન્ટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું. ગુકેશે ૧૨ વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યો અને ચેસના ઇતિહાસમાં ત્રીજો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યો. તેણે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.