- ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર પાદરીને 3 વર્ષની જેલ
- અભદ્ર ફોટા પાડી વાયરલ કરવાનું કહી કરતો બ્લેકમેઇલ
- ધર્મ પરિવર્તન કરાવનારને દાખલારૂપ સજા થવી જોઈએ: કોર્ટ
અમદાવાદમાં 17 વર્ષની કિશોરીને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરનારા પાદરી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. સેશન્સ કોર્ટ દ્વારા પાદરી ગુલાબન પરીખન મસીહને 3 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે, સમાજને ગેરમાર્ગે દોરનાર ગુનાહિત માનસિકતા ધરાવતા પાદરી સામે દાખલારૂપ સજા થવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાદરીને સજા થયાનો આ પ્રથમ કિસ્સો છે.
આ કેસ અંગે માહિતી પીડિતાના વકીલ નિર્મિત એ. દીક્ષિતે કહ્યું કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ધોરણ 11ની સગીરાને તેની પાડોશમાં રહેતી એક મહિલા દ્વારા ગુલાબન પરીખન મસીહ નામના પાદરી સાથે ઓળખાણ થઈ હતી. જે પાદરીએ સગીરા સાથે મિત્રતા કરીને તેના ઘરે જઈને ધર્મની વાતો કરવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે પાદરીની ઘરે આવનજાવન વધી જતાં વોટ્સએપ નંબરની આપ-લે થઈ હતી. જે બાદ પાદરી સગીરાના વોટ્સએપ નંબર પર ‘આઈ લવ યુ’ના મેસેજ કરતો હતો.
તેઓએ કહ્યું કે, પાદરી કિશોરી સાથે વોટ્સએપ પર વીડિયો કોલથી વાતો કરતો હતો. જે બાદ તેણે વીડિયો કોલમાં સગારીના કપડા ઉતરાવીને તેના સ્ક્રિનશોટ પાડી લીધા હતા. અસલી ખેલ અહીંથી શરૂ થયો, પાદરીએ કિશોરીના અભદ્ર સ્ક્રિનશોટ પાડી લીધા બાદ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું, તેને હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
આ બાબતે કિશોરીએ આ બાબતે ઈનકાર કરતા તેને અને તેના પરિવારને અનેક પ્રકારે હેરાન-પરેશાન કરવામાં આવ્યા. પાદરીએ 2 યુવકોને સગીરાના ઘરે મોકલી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પાદરીએ તેના અનુયાયીઓ સાથે સગીરાના ઘરે જઈને મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિ જોઈને કહ્યું કે ‘આ તો શેતાનની મૂર્તિ છે, તેને ઘરમાં ન રખાય.’ જે બાદ તેણે મૂર્તિ તોડી નાખી અને ઘરમાં બાઈબલ મુકી દીધી. જે બાદ તમામનું માઈન્ડ વોશ કરવાનું શરૂ કર્યું હતું.
વકીલ નિર્મિત એ. દીક્ષિતે કહ્યું કે, ધર્મ પરિવર્તનના અનેક પ્રયાસ કરવા છતાં સગીરા અને તેના પરિવારજનો એકના બે ન થતાં પાદરીએ સગીરાના ફોટા વાયરલ કરી દીધા હતા. જે બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી, જે બાદ આ કેસ કોર્ટમાં ચાલી જતાં પાદરી ગુલાબન પરીખન મસીહને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અન્ય કોઈ આવું કૃત્ય ન કરે તે માટે પાદરીને સજા આપવામાં આવી છે.