બાળકોનો ડાન્સ ક્લાસ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક એક ૧૭ વર્ષનો છોકરો બળજબરીથી ક્લાસમાં ઘુસી ગયો અને બાળકો પર છરી વડે હુમલો કર્યો. આ ઘટના બ્રિટનના સાઉથપોર્ટ સિટીના હાર્ટ સ્ટ્રીટ વિસ્તારમાં બની હતી. વિશ્ર્વ વિખ્યાત સિંગર અને ડાન્સર ટેલર સ્વિટની થીમ પર ડાન્સ ક્લાસ ચાલી રહ્યો હતો. અચાનક થયેલા હુમલાથી ડાન્સ ક્લાસમાં ખળભળાટ મચી ગયો હતો. છરીના હુમલાને જોઈને બાળકો ચીસો પાડવા લાગ્યા હતા. બે યુવકોએ હુમલાખોરને પકડવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ છોકરાએ તેમના પર પણ હુમલો કર્યો.
આ જીવલેણ હુમલામાં બે બાળકોના છરીના ઘાને કારણે મોત થયા છે. ૯ બાળકો ઘાયલ થયા છે જેમાંથી ૬ બાળકોની હાલત ગંભીર છે. હુમલાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી સગીરની ધરપકડ કરી હતી. હુમલામાં વપરાયેલ છરી પણ જપ્ત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને એલ્ડર હે ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, એન્ટ્રી યુનિવસટી હોસ્પિટલ અને સાઉથપોર્ટ અને ફોર્મબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મર્સીસાઇડ પોલીસના ચીફ કોન્સ્ટેબલ સેરેના કેનેડી તપાસ અધિકારી છે.
અહેવાલ અનુસાર, કેસની તપાસ કરી રહેલી મર્સીસાઇડ પોલીસની ચીફ કોન્સ્ટેબલ સેરેના કેનેડીએ જણાવ્યું કે, ૧૭ વર્ષનો છોકરો ડાન્સ ક્લાસમાં ચાકુ સાથે ઘૂસ્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા બે યુવકોએ બહાદુરી બતાવી બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. કેસની તપાસ ચાલી રહી છે, પરંતુ હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉત્તર પશ્ર્ચિમની આતંકવાદ વિરોધી પોલીસ ટીમ પણ આ મામલાની તપાસ કરી રહી છે કે શું તે આતંકવાદી હુમલો છે.
ડાન્સ સ્કૂલના માલિક કોલિન પેરીએ પોલીસને ફોન કરીને હુમલાની જાણ કરી હતી. હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં મોટાભાગની છોકરીઓ છે. સાઉથપોર્ટથી લગભગ ૨૦ માઈલ દૂર લિવરપૂલમાં એલ્ડર હે ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ટ્રસ્ટે તેને મોટી આપત્તિ ગણાવી. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલ ઘાયલોને તમામ શક્ય સારવાર આપી રહી છે અને તમામ ઘાયલોની હાલત ખતરાની બહાર છે.