17 વર્ષીય યુવક-યુવતીના ગોધરાના અછાલાના જંગલમાંથી મૃતદેહ મળ્યા : બંને પરિવારે કહ્યું- આ આત્મહત્યા નથી, તેમની હત્યા કરીને લાશને લટકાવી દેવામાં આવી છે.

અછાલા ગામના ડુંગર ફળિયામાં રહેતી 17 વર્ષીય સગીરા શાળાએ જવાનું કહી ઘરેથી નીકળી હતી, જોકે એ પછી તેનો અને તેના જ ફળિયામાં રહેતા 17 વર્ષીય સગીરનો મૃતદેહ જંગલમાંથી ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યા હતો. બંનેના મૃતદેહ મળતાં સોશિયલ મીડિયા પર તેમને પ્રેમીપંખીડાં તરીકે ચિત્રિત કરવામાં આવ્યાં હતાં, જોકે પરિવારજનોએ આ વાતને નકારી જણાવ્યું હતું કે બંને વચ્ચે કોઈ પ્રેમસંબંધ ન હતો. એટલું જ નહિ, યુવતીના પિતા મંગળસિંહ પટેલે આરોપ મૂક્યો છે કેતેમની દીકરી અને ફળિયાના યુવકે આત્મહત્યા નથી કરી, પરંતુ તેમની હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી છે.

ટીમરુના ઝાડની ડાળી સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળ્યા મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના અછાલા ગામમાં આવેલા ડુંગર ફળિયામાં રહેતી 17 વર્ષીય રેણુકાબેન મંગળસિંહ પટેલ વહેલી સવારે પોતાની માતા સુમિત્રાબેનને ધોરણ 12ની રિસીપ્ટ લેવા માટે જવાનું કહીને સીમલિયા હાઈસ્કૂલમાં ગઈ હતી, જ્યાંથી તે પરત પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે અછાલા ગામમાં આવેલા જંગલમાંથી તેમના જ ફળિયામાં રહેતા વિકાસભાઈ રંગીતભાઈ પટેલ (ઉંમર 17 વર્ષ) સાથે ટીમરુના ઝાડની ડાળી સાથે કપડાંની ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળ્યા હતા. આ બનાવથી ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

મૃતક રેણુકાબેન મંગળસિંહ પટેલ.

મંગળસિંહ પટેલ વડોદરા ખાતે સેન્ટિંગનું કામ કરવા માટે ગયા હતા ત્યારે ગામના સભ્યો અને સરપંચનો ફોન કર્યો હતો કે તમારી દીકરી રેણુકા તમારા ફળિયાના છોકરા વિશાલ સાથે ઝાડે લટકાયેલી હાલતમાં મળ્યાં છે, જેથી પિતા આ સમાચાર સાંભળતાં જ સાવ ભાંગી પડ્યા હતા. તેઓ તાત્કાલિક વડોદરાથી ગોધરા પોતાના ગામમાં દોડી આવ્યા હતા. મંગળસિંહ પટેલના પરિવારમાં ત્રણ દીકરી અને બે દીકરા છે, તેમાં રેણુકા સૌથી નાની હતી. તેના મોતના સમાચાર સાંભળતાં જ પિતા હૈયાફાટ રુદન કરી રહ્યા હતા.

બીજી બાજુ, બંને યુવક-યુવતીનો ઝાડ સાથે મૃતદેહ મળતાં સોશિયલ મીડિયામાં ફોટા વાઇરલ થયા હતા કે બે પ્રેમીપંખીડાંના જંગલમાંથી મૃતદેહ મળ્યા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે, કારણ કે આ બંને પ્રેમીપંખીડાં નથી, પરંતુ એક જ ફળિયામાં રહેતાં યુવક-યુવતી છે. આ બંને વચ્ચે કોઈપણ પ્રકારના એવા ખોટા રિલેશન નથી એવું ખુદ બંનેના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે.

મૃતક વિકાસભાઈ રંગીતભાઈ પટેલ.

દીકરીના પિતા મંગળસિંહ પટેલ આક્ષેપ કરી રહ્યા છે કે

મારી દીકરી અને મારા ફળિયાના દીકરાએ ફાંસો ખાધો નથી, પરંતુ તેમને મારીને લટકાવી દીધાં છે અને તેમનું મર્ડર કર્યું છે.

મારી દીકરી ધો.12ની રિસીપ્ટ લેવા માટે હાઈસ્કૂલ ગઇ હતી મંગળસિંહ મનાભાઈ પટેલે સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેઓ સેન્ટિંગના કામ માટે વડોદરા ગયા હતા ત્યારે તેમની દીકરી રેણુકા પોતાની માતાને કહ્યું હતું કે ધોરણ 12ની રિસીપ્ટ લેવા માટે સીમલિયા હાઈસ્કૂલ ખાતે જાઉં છું. જ્યારે સ્કૂલથી પરત પોતાના ગામમાં જઈ રહી હતી ત્યારે રેણુકા પોતાનાં સગાંસંબંધીઓને પણ રસ્તામાં મળી હતી. આમ તે અછાલાના જંગલમાંથી આવતી હતી ત્યારે ગામમાંથી અને સરપંચનો મારા ઉપર ફોન આવ્યો હતો કે તમારી દીકરી રેણુકાનો તમારા ફળિયાના વિકાસ પટેલ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકી રહ્યો છે, જેથી હું તાત્કાલિક વડોદરાથી ગોધરા આવવા નીકળ્યો હતો.

બીજી બાજુ મંગળસિંહ પટેલે આક્ષેપ કર્યો હતો કે આ બંનેના મૃતદેહ ઝાડની ઉપર લટકાયેલા નથી, પરંતુ તેમને મારીને લટકાવી દેવામાં આવ્યા છે, કારણ કે બંનેના મૃતદેહ જમીનને અડકીને છે એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી દીકરી અને અમારા ફળિયાના દીકરાને મારીને લટકાવી દેવામાં આવ્યાં છે. હાલ તો ગોધરા તાલુકા પોલીસે બંનેના મૃતદેહ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહ ઘરથી બેથી ત્રણ કિલોમીટર દૂર જંગલમાંથી મળ્યા રેણુકા પટેલ અને તેના ફળિયામાં રહેતા વિશાલ પટેલના મૃતદેહ પોતાના ઘરથી બેથી ત્રણ કિલોમીટર દૂર જંગલમાંથી મળ્યા હતા. બંનેના મૃતદેહ જમીનને બિલકુલ અડીને હતા, આથી પરિવારના સભ્યો આક્ષેપ કરી રહ્યા છે કે અમારાં દીકરા-દીકરીને કોઈએ મારીને લટકાવી દીધાં છે. હાલ તો ગોધરા તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત ખબર પડશે.

ગોધરા તાલુકા પોલીસે બંને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોલીસે BNSS 194 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. યુવતીની માતા સુમિત્રાબેન પટેલની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.