17 જેટલી સુપરફાસ્ટ, તેમજ પેસેન્જર ટ્રેનો બેથી સાત કલાક મોડી : ચાલુ વરસાદે છ કલાકની જહેમતે ટ્રેક રીપેર કરાયો

  • દાહોદમાં ભારે વરસાદના પગલે લીમખેડા મંગલમહુડી વચ્ચે ટ્રેકનું ધોવાણ થતા અપલાઇનનો રેલ વ્યવહાર ખોરવાયો
  • ટ્રેક પેટ્રોલિંગ ટીમને ટ્રેકનું ધોવાણ થયા હોવાનું દેખાઈ : રેલવે અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા

દાહોદ જિલ્લામાં વીતેલા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના પગલે લીમખેડા મંગલમહુડી વચ્ચે ટ્રેકનું ધોવાણ થતા એક તરફનો ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી જેના લીધે અપ લાઈનનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. રેલવે ટ્રેકની પેટ્રોલિંગ કરનાર ટીમ દ્વારા સતર્કતા વાપરી રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા રેલવેના આલા અધિકારીઓ તેમજ ટ્રેક મેન્ટેનન્સ કરનાર કરનાર ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને છ કલાકની જહેમત બાદ ટ્રેક રીપેર થતા ધીમી રફતારે અપલાઈનનો રેલ વ્યવહાર શરૂ કર્યો હતો. જોકે આ દરમિયાન 17 જેટલી સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થતા તેમના નિયત સમય કરતા બે થી સાત કલાક સુધી મોડી સંચાલિત થઈ હતી.

જેના કારણે રેલવેના મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. પંથકમાં પડી રહેલા વરસાદના પગલે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ટ્રેક પેટ્રોલિંગ ટીમને ટ્રેકનું ધોવાણ થયા હોવાનું નજરે પડતા તેઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રેલવેના હૂટર વાગતા રેલ્વે અધિકારીઓ તેમજ કર્મચારીઓ એલર્ટ થયા હતા.પીપલોદ ખાતેથી ટ્રેક રીપેર મશીન, તેમજ બે જેસીબી ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.દાહોદ થી ટ્રેક રીપેર કરનાર ટીમ,આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઇમરજન્સી ટ્રેન મારફતે ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને યુદ્ધના ધોરણે ટ્રેક રીપેર કરવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા વરસાદના વચ્ચે 6 કલાકની જહેમત બાદ સવારના સવા ચાર વાગ્યાના અરસામાં ટ્રેક રીપેર થતા 10 ની સ્પીડે તેનો આગળ ધપાવવાનું શરૂ કર્યું હતું.