૧૬ વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી:અમદાવાદના નિકોલમાં દુષ્કર્મનો ભોગ બની હતી, હાલ ૨૭ અઠવાડિયાંનો ગર્ભ

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં જજ સમીર દવેની કોર્ટમાં એડવોકેટ નિસર્ગ શાહ દ્વારા ૧૬ વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી આવી હતી. આ સગીરાને હાલ ૨૭ સપ્તાહનો ગર્ભ છે. જોકે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી છે. સગીરાની અમદાવાદના નિકોલ પોલીસ મથકે આ કેસ અંગે આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જજ સમીર દવેએ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટરોની એક્સપર્ટ પેનલ દ્વારા મેડિકલ ટમનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ મુજબ શારીરિક તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો. તેમજ સગીરાને હોસ્પિટલ લઈ જવા અને વ્યવસ્થાઓ સરળ બનાવવા કોર્ટે નિકોલના પોલીસ-ઇન્સ્પેક્ટરને પણ આદેશ આપ્યો હતો.

આજે સગીરાની મેડિકલ તપાસ બાદ તેનો મેડિકલ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાયો હતો. જેનો અભ્યાસ કરીને જજ સમીર દવેએ સગીરાના ગર્ભપાત માટે આજે સિવિલ હોસ્પિટલ, અસારવા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને નિર્દેશ આપ્યા હતા. આ અંગેનો ઓર્ડર વકીલને બપોરે ૧ વાગ્યે મળી જશે. ત્યારબાદ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સગીરાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાશે.

અઠવાડિયા પહેલાં પણ ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણાની ૧૬ વર્ષ અને ૩ મહિનાની સગીરાના ૧૮ સપ્તાહના ગર્ભના ગર્ભપાત મંજૂરી આપી હતી. આ કેસમાં સગીરાના ભાઈએ એડવોકેટ નિધિ બારોટ મારફત અરજી કરી હતી, જે જજ સમીર દવેની કોર્ટમાં ઉપસ્થિત થઈ હતી. આ કેસમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મુદ્દે કોર્ટે વડનગરની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને સગીરાની શારીરિક તપાસ કરીને ૧૪ સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું. રિપોર્ટમાં સગીરાને ૧૮ સપ્તાહનો નોર્મલ ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

અરજદાર દ્વારા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી. આ માટે કડી પોલીસ મથકના પોલીસ-ઇન્સ્પેક્ટરને એક અઠવાડિયામાં ગર્ભપાતની ક્રિયા પતી જાય એવું મેનેજમેન્ટ કરવા આદેશ કર્યા હતા. આ સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું ડ્ઢદ્ગછ રાખવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં સગીરાનો ગર્ભપાત હાય રિસ્ક ધરાવે છે.