કડી-કલોલના દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, અમેરિકાનું સ્વપ્ન બતાવી ૨ એજન્ટોએ રૂ. ૧૬ લાખ ખંખેરી લીધા.

મહેસાણા,
સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે, ત્યારે વિદેશ જવાના નામે કેટલીકવાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે. ત્યારે ફરીવાર આવો જ વધુ એક કિસ્સો ગુજરાતમાંથી પ્રકાશમાં આવ્યો છે. કડી અને કલોલના બે દંપતીને કબૂતરબાજ એજન્ટોએ લાખોનો ચૂનો લગાવ્યો છે.

કડી અને કલોલના બે દંપતી સાથે વિદેશ લઈ જવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. બે કબૂતરબાજ એજન્ટોએ દંપતી પાસે લાખો રૂપિયા પડાવ્યા છે. અમેરિકા લઈ જવાના સપના બતાવી એજન્ટોએ બંને દંપતીને બાટલીમાં ઉતાર્યા હતા. જે બાદ કમલેશ બારોટ અને રાજેશ વીરા ઉર્ફે છગન નામના એજન્ટોએ આ બંને દંપતી પાસેથી વિઝાના કામ બદલ કટકે કટકે ૧૬ લાખ પડાવ્યા હતા. એજન્ટોએ સાડા ત્રણ મહિના સુધી બંને દંપતીને અલગ અલગ સ્થળે ફરેવીને ૧૬ લાખ જેવી માતબાર રકમ ખંખેરી લીધી. હાલ બંને દંપતીએ ઠગ એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલમાં રહેતા જીગ્નેશભાઈ બારોટને વિદેશ જવું હોવાથી તેમણે મહેસાણાની દૂધસાગર ડેરી પાસે આવેલ ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ જયંતીભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો અને પોતાનું ૨૦ લાખનું બજેટ હોવાનું કહ્યું હતું. જેથી કમલેશ બારોટે આટલા રૂપિયામાં યુરોપ જવાના વિઝા થશે તવું જણાવતા જીગ્નેશભાઈ યુરોપ જવા સહમત થયા હતા. જે બાદ તેમણે વિઝા ખર્ચ પેટે પૈસા અને ડોક્યુમેન્ટ એજન્ટ કમલેશ બારોટને આપ્યા હતા. જે બાદ જીગ્નેશભાઈ અને તેમના પત્નીને મુંબઈ સબમિશન માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું. જેથી જીગ્નેશભાઈએ પૈસા પરત માંગ્યા હતા.

જે બાદ એજન્ટ કમલેશ બારોટે અમેરિકા લઈ જવાની લાલચ આપી હતી અને આ માટે તેણે એક કરોડનો ખર્ચ થશે તેમાં આ પૈસા મેનેજ કરી આપીશ તેવું જણાવ્યું હતું, સાથે જ એવું પણ જણાવ્યું કે આ પૈસા તમારે મેક્સિકો પહોંચો ત્યારે આપવાના રહેશે. જેથી કલોલના જીગ્નેશભાઈ બારોટ અને તેમના પત્ની સહમત થઈ હતા. નક્કી કર્યા મુજબ તેઓ ગત ૧૦ એપ્રિલે અમેરિકા જવા પત્ની સાથે ટ્રેનમાં બેસીને મુંબઈ ગયા હતા. ટ્રેનમાં તેમને કડીના જયેશભાઈ પટેલ અને તેમના પત્ની મળ્યા હતા. તેઓ પણ કમલેશ બારોટના માયમથી અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. મુંબઈ પહોંચ્યા બાદ બંનને દંપત્નીને કમલેશ લાઇટમાં બેલાડીને કોલંબો અને ત્યાંથી જકાર્તા લઈ ગયો હતો. જ્યાં કમલેશે જકાર્તાના એજન્ટ રાજેશ કુમાર વીરા ઉર્ફે છગન સાથે મુલાકાત કરાવી હતી.

જકાર્તામાં કમલેશે બંને દંપતી પાસે સાડા ત્રણ-સાડા ત્રણ લાખની માંગણી કરતા બંને દંપતીએ પરિવારજનોને ફોન કરીને રૂપિયા જમા કરવી દીધા હતા. જે બાદ કમલેશ સામાન લેવા જવાનું કહીને ઈન્ડિયા જવા નીકળી ગયો હતો. તો દંપતીને એક વિલામાં રાખવામાં આવ્યા હતા. લગભગ દિવસ બાદ બંને દંપતી પાસે રૂપિયા ખૂટી ગયા હતા. જેથી તેમણે છગનભાઈને જણાવ્યું હતું. જોકે, તેણે પૈસા આપવાની મનાઈ કરતા દંપતીએ કમલેશ બારોટને ફોન કર્યો હતો અને વતન મોકલી આપવા જણાવ્યું હતું. તો તેણે પરત આવવાની ટિકિટ માટે પૈસાની માંગ કરી હતી. જેથી યેનકેન પ્રકારે તેઓએ ટિકિટના પૈસાની ગોઠવણ કરી બંને દંપતી લાઇટમાં મુંબઇ અને ત્યાંથી કલોલ પહોંચ્યા હતા. જે બાદ તેમણે કમલેશને પૈસા પરત આપવા જણાવતા તેણે હાથ ઉચાં કરી લીધા હતા.