મુંબઇ, હાલના દિવસોમાં જો કોઈ ફિલ્મની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તો તે છે શાહરૂખ ખાનની જવાન છે. આ ફિલ્મે માત્ર ૬ દિવસમાં જ વિશ્ર્વભરમાં ૬૬૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શાહરૂખ ખાને આ ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. તે એક પછી એક ઘણા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. જવાન પહેલા સની દેઓલની ફિલ્મ ગદર ૨ દરેક જગ્યાએ હેડલાઇન્સ બનાવી રહી હતી. પરંતુ જવાનના આગમન સાથે, ગદર ૨ વિશેની ચર્ચા ઓછી થઈ.
ગદર ૨ ૧૧મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી અને પછીના મહિને એટલે કે ૭મી સપ્ટેમ્બરે જવાન આવી હતી.સની દેઓલની ફિલ્મે ૩૦ દિવસમાં ૫૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ જવાનના આવ્યા બાદ તેનો ક્રેઝ ખતમ થઈ ગયો હતો.અને ફિલ્મની કમાણી ખાસ્સી ધીમી પડી ગઈ હતી. તેમના ખાતામાં થોડા વધુ પૈસા ઉમેરવા માટે, નિર્માતાઓ હવે એક ઑફર લઈને આવ્યા છે.
૧૫ સપ્ટેમ્બરથી ગદર ૨ની ટિકિટ પર ૧૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સની દેઓલે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ઓફર વિશે માહિતી આપી છે. આનું વર્ણન કરતાં તેણે લખ્યું, “આવો અવસર ફરી નહીં આવે, તેથી વિલંબ કરશો નહીં.”
હાલના દિવસોમાં, ગદર ૨ સિનેમાઘરોમાં શાહરૂખ ખાનની જવાન સાથે સીધી સ્પર્ધામાં છે. જો જવાન હજી રિલીઝ ન થઈ હોત તો શક્ય હતું કે સની દેઓલની આ ફિલ્મ વધુ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લે. જો કે, હવે જવાનને સ્પર્ધા આપવા માટે ગદર ૨ના નિર્માતાઓ આ ઓફર લાવ્યા છે અને તેઓએ પણ શાહરૂખ ખાનના માર્ગને અનુસર્યો છે.
આ વર્ષની શરૂઆતમાં જ્યારે શાહરૂખ ખાનની પઠાણ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, ત્યારે કિંગ ખાન ઘણી વખત દર્શકો માટે આવી ઑફર્સ લાવ્યા હતા. ઓછી કિંમતે મૂવી ટિકિટની ઓફરની સાથે, તેણે એક ફ્રી મેળવવા જેવી ઘણી ઑફર્સ પણ આપી. હવે ગદર ૨ના નિર્માતાઓએ પણ આ જ રસ્તો પસંદ કર્યો છે.