૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં તિરંગો ફરકાવવા અંગે મુખ્યમંત્રીએ પત્ર લખ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખ્યો છે. ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં તિરંગો ફરકાવવા અંગે મુખ્યમંત્રીએ પત્ર લખ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું કે ૧૫ ઓગસ્ટે મંત્રી આતિષી મારી જગ્યાએ તિરંગો ફરકાવશે. અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે.

અગાઉ, હાઇકોર્ટે સોમવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરવા માટે પૂરતા આધાર છે. ધરપકડને રદ કરવાની અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું કે, એવું કહી શકાય નહીં કે ધરપકડ કોઈ વ્યાજબી કારણ વગર કરવામાં આવી હતી. જોકે, કોર્ટે કેજરીવાલને જામીન માટે નીચલી કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી. કેજરીવાલે જામીન માટે સીધો હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

હાઇકોર્ટે સોમવારે જામીનના કેસનો યોગ્યતાના આધારે નિર્ણય લેવાનો ઇનકાર કર્યો હતો અને મુખ્યમંત્રીને ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. કોર્ટે નિર્દેશ આપ્યો કે, જ્યાં સુધી જામીન અરજીનો સંબંધ છે, ટ્રાયલ કોર્ટમાં જવાની સ્વતંત્રતા સાથે તેનો નિકાલ કરવામાં આવે છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં સીબીઆઈએ કેજરીવાલની ૨૬ જૂને ધરપકડ કરી હતી જ્યારે તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા. બાદમાં, સુપ્રીમ કોર્ટે તેમને ઈડી કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ સીબીઆઇ કેસમાં તેમને હજુ સુધી જામીન મળ્યા નથી, તેથી તેઓ જેલમાં જ રહેશે.